બાંગ્લાદેશમાં ફરી વિરોધ, ચીફ જસ્ટિસે પણ રાજીનામું આપવું પડ્યું
બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસને આખરે વિરોધકર્તાઓના અલ્ટીમેટમ બાદ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીફ જસ્ટિસ શનિવારે સાંજે પોતાનું રાજીનામું સોંપવા જઈ રહ્યા છે. ઓબેદુલ હસનને ગયા વર્ષે બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હસનને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પણ નજીકના માનવામાં આવે છે.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, દેશના મુખ્ય ન્યાયાધીશના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. મુખ્ય ન્યાયાધીશ સહિત સાત ન્યાયાધીશોના રાજીનામાની માગણી સાથે શનિવારે ઢાકામાં હાઈકોર્ટની ઈમારત સામે સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. આંદોલનકારીઓ શાંતિપૂર્ણ વિરોધ પર બેઠા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ આર્મીના જવાનોને હાઈકોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
દેખાવકારોએ તેમના હાથમાં બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ પકડ્યો હતો અને જોર જોરથી સૂત્રોચ્ચાર કરીને તેમની માંગણીઓ પર અડગ દેખાયા હતા. બાંગ્લાદેશી મીડિયા પ્રથમ આલો અનુસાર, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ નવી રચાયેલી વચગાળાની સરકારના સલાહકારોમાંના એક આસિફ મહમૂદ સાજીબ દ્વારા કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરતી વખતે તેમણે કહ્યું કે વિરોધકર્તાઓની માંગ ચીફ જસ્ટિસ સહિત સાત જજોના રાજીનામાની છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જિલ્લા અદાલતોને આંદોલન સાથે કોઈ લેવાદેવા નથી અને વિરોધીઓને વિનંતી કરી કે તેઓ જિલ્લા અદાલતો સામે ધરણા ન કરે.
બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના બંને વિભાગોના ન્યાયાધીશો સાથે શનિવારે ફુલ કોર્ટ મીટિંગ બોલાવવામાં આવી હતી પરંતુ મીટિંગ અચાનક રદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ અઝીઝ અહેમદે મીટિંગ રદ કરવાની પુષ્ટિ કરી હતી, પરંતુ તેની પાછળનું કારણ જણાવ્યું ન હતું. આસિફ મહમૂદ સાજીબે મીટિંગ રદ્દ થયા બાદ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેઓ ચીફ જસ્ટિસના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જન આંદોલનની માંગણીઓનું સન્માન કરવું જોઈએ. આ સમગ્ર ઘટનાએ બાંગ્લાદેશના ન્યાયિક અને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. હવે આવનારા દિવસોમાં બાંગ્લાદેશની સ્થિતિ ક્યાં જાય છે તે જોવું રસપ્રદ રહેશે.