રાહુલ ગાંધી પરંપરાગત બેઠક જાળવશે, વાયનાડથી આપશે રાજીનામું… જાણો કોણ ઉતરશે મેદાને…

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે. તેમણે માત્ર વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી એટલું જ નહીં પરંતુ એમ પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે.

કોંગ્રેસે વાયનાડથી પ્રિયંકાને મેદાનમાં ઉતાર્યા હતા, આ દરમિયાન તેમણે પ્રિયંકા ગાંધીના જૂના સૂત્રનો ઉપયોગ કર્યો હતો, ‘મે લડકી હું , લડ સક્તિ હું ‘ અને કહ્યું હતું કે તે વાયનાડથી પેટાચૂંટણી લડશે. આ રીતે કોંગ્રેસે એક જ દિવસમાં બે મોટી જાહેરાતો કરી છે. પ્રથમ, રાહુલ ગાંધીનો નિર્ણય કે તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે અને બીજું, કોંગ્રેસે પણ વાયનાડ પેટાચૂંટણી માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વાયનાડ લોકસભા સીટ છોડીને તેમના પરિવારના ગઢ રાયબરેલીમાં રહેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સામાન્ય ચૂંટણીઓમાં લોકસભાની બંને બેઠકો – કેરળમાં વાયનાડ અને ઉત્તર પ્રદેશમાં રાયબરેલી – પ્રભાવશાળી માર્જિનથી જીતી હતી. નવી દિલ્હીમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસની ટોચની નેતાગીરી સાથે ચર્ચા કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

જાણો શું છે નિયમ 

નિયમો મુજબ, રાહુલ ગાંધીએ 4 જૂને જાહેર થયેલા લોકસભાના પરિણામોના 14 દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની હતી. હવે જ્યારે રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રહેવાનું પસંદ કર્યું છે, ત્યારે તેમની બહેન પ્રિયંકા વાયનાડની ખાલી પડેલી બેઠક પરથી પેટાચૂંટણી લડશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી લોકસભાની બે બેઠકો પરથી જીત્યા, પરંતુ કાયદા મુજબ, તેમણે એક બેઠક ખાલી કરવી પડશે. રાહુલ ગાંધી રાયબરેલીને જાળવી રાખશે અને અમે નક્કી કર્યું છે કે પ્રિયંકા જી વાયનાડથી ચૂંટણી લડશે.” ” નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે રાયબરેલી અને વાયનાડ બંનેને “બે સાંસદો મળશે”. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું વાયનાડના લોકોને રાહુલની ગેરહાજરી અનુભવવા નહીં દઉં.