હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. રાજકોટમાં પણ સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રામ મોકરીયા, પ્રમુખ અલ્પેશ ઢોલરિયા અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા પણ ત્યાં હાજર હતા. એ દરમિયાન પોતાના સંબોધન વખતે ભાજપ નેતા અને હાસ્યકલાકાર ધીરુભાઈ સરવૈયાએએ ભાજપીઓને માર્મિક ટકોર કરી હતી. તેણે કહ્યું હતું કે, તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય. પડખેવાળાને માપે રાખજો
ધીરુભાઈએ કહ્યુ કે, તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે, તમે પતંગ ઉડાડો, પણ રાજકોટમાં તમારી બાજુવાળો પતંગ કાપી જાય. કોઈ લાંબો દોરો કરીને ન કાપે. ધીરુભાઈ સરવૈયા બોલ્યા હતા કે, તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય. પડખેવાળાને માપે રાખજો. સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં ધીરુભાઈ સરવૈયાએ આવું કહ્યું હતું. અગાઉ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, જૂના કાર્યકર્તાને ન ભૂલતા અને હવે ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો છે.
રાજકોટ ભાજપ માટે ધીરુભાઈની આ ટકોર બહુ વ્યાજબી કહી શકાય કેમ કે સૌથી વધારે જૂથવાદ ત્યાં જ સામે આવ્યો છે. ઘણીવાર જાહેરમાં પણ આવ્યો છે. વાત સદસ્યતા અભિયાનની જ કરીએ તો રાજકોટમાં સિનિયર નેતાઓ નિષ્ક્રિય જોવા મળી રહ્યાં છે. સંગઠન પર્વને લગતા કાર્યક્રમમાં ભાજપના સિનિયર નેતાઓની ગેરહાજરીને કારણે તેમની નિષ્ક્રિયતા અને નારાજગી હોવાની વાત જાહેર થઇ હતી. પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓની કાર્યક્રમોમાં બાદબાકી. સંગઠન પર્વ માટે ભ્રષ્ટાચારને કારણે હાંકી કઢાયેલી મહિલા નેતાઓને જવાબદારી આપી તે આંતરિક યુદ્ધનું જ પરિણામ છે. આ પહેલા સી.આરપાટીલની રાજકોટ મુલાકાતના બીજા જ દિવસે શહેર ભાજપમાં જૂથનાદ જોવા મળ્યો હતો. શનિવારે રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવને લઇ ગણપતિ બાપાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રેસકોર્સ સ્થિત મેયર બંગલોથી રેસકોર્સ મેદાન સુધી ગણપતિ પંડાલ ખાતે ડીજેના તાલે પહોંચ્યા હતા. જોકે, આ સમયે શહેર ભાજપમાં ચાલતા જૂથવાદના કારણે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ગણેશ આરતીમાં પણ સો લોકો જ જોવા મળ્યા હતા. જેના કારણે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.