રાજકોટ શહેરના મેટોડા GIDC ગેટ નંબર 3 પાસે મુરલીધર વે બ્રિજ નજીક રાત્રે આશરે 9:30 વાગ્યે રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના મોત નિપજ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતકોની ઓળખ
અકસાનમાં મૃત્યુ પામનારામાં
-
સુનિલભાઈ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ. 28)
-
વિજયભાઈ શિવાભાઈ ગગડીયા (ઉ.વ. 22)
-
વિશાલભાઈ શિવાભાઈ ગગડીયા (ઉ.વ. 27) સહીત અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે.
SP વિજયસિંહ ગુર્જરનું નિવેદન
ઘટનાની જાણ થતાં જ SP વિજયસિંહ ગુર્જર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થતાં જાનહાનિ થઈ છે.
FSL ટીમ અને તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી FSLની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. સમગ્ર મામલે મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ટ્રક ડ્રાઇવર ધરપકડ
પોલીસે ટ્રક ડ્રાઇવર બંસી ભારતી ગોસ્વામીની ધરપકડ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ તફસીલી તપાસ કરી રહી છે.
આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.







