રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ સંબંધિત મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં કુલ ₹1 કરોડ 75 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
₹1.75 કરોડના વિકાસ કાર્યોને ગ્રીન સિગ્નલ
સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રસ્તાવો મંજૂર કર્યા. રસ્તા, ડ્રેનેજ અને અન્ય નગરસેવા સંબંધિત કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રદ્યુમન પાર્કમાં એન્ટ્રી ફી વધારો ફગાવાયો
બેઠકમાં પ્રદ્યુમન પાર્કની એન્ટ્રી ફીમાં 50 ટકા થી 70 ટકા સુધી વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જોકે, સભ્યો દ્વારા લોકોની સુખાકારી અને જનહિતને ધ્યાનમાં રાખીને આ દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી.
કમિટીના સભ્યોનું માનવું હતું કે અચાનક મોટો ભાવ વધારો સામાન્ય નાગરિકો પર આર્થિક ભાર મૂકી શકે છે, તેથી હાલ માટે એન્ટ્રી ફીમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.
લાયન સફારી પાર્ક શરૂ થયા બાદ ફી નક્કી થશે
માહિતી મુજબ, જ્યારે નવું લાયન સફારી પાર્ક શરૂ થશે ત્યારે તેની એન્ટ્રી ફી અલગથી નક્કી કરવામાં આવશે. હાલના પ્રદ્યુમન પાર્ક માટે કોઈ ભાવ વધારો લાગુ નહીં થાય. આ નિર્ણયથી શહેરના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.







