‘રામ આયેંગે તો અંગના..!’ સુરતના ગિફ્ટ આર્ટિકલ ડીલરે બનાવેલી રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિની ભારે માંગ…

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં રામલલાના બિરાજમાન થવાનો અવસર નજીક આવી રહ્યો છે. જેમ-જેમ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. એવામાં સુરતના એક ગિફ્ટ આર્ટિકલ ડીલર દ્વારા અયોધ્યાના રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એવામાં પ્લાયવુડથી બનેલી રામ મંદિરની આ આબેહૂબ જીવંત પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

એક તરફ રામલલ્લા પોતાના મૂળ સ્થાન પર બિરાજમાન થવા જઈ રહ્યાં છે, તો બીજી તરફ લોકો તેમને પોતાના ઘરે પણ લાવવા માંગે છે. આજ કારણોસર ગિફ્ટ આર્ટિકલના વેપારીને દરરોજના 100 મંદિરોનો ઓર્ડર મળી રહ્યો છે. એક અંદાજ અનુસાર, આગામી દિવસોમાં આ રામ મંદિરની પ્રતિકૃતિ લગભગ 1 લાખ ઘર સુધી પહોંચી જશે.ખાસ વાત એ છે કે, આ રામ મંદિરની પ્રતિકૃતિ 30 જેટલી મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. એક નાનું મંદિર તૈયાર કરવામાં મહિલાઓને લગભગ 3 કલાકનો સમય લાગે છે. જ્યારે એક મોટું મંદિર બનાવવામાં 4 દિવસનો સમય લાગે છે.

છેલ્લા 13 વર્ષથી સુરતના પૂનાગામમાં નહેર રોડ પર ગિફ્ટ આર્ટિકલની દુકાન ધરાવતા રાજેશભાઈ શેખડાએ જણાવ્યું કે, જ્યારથી અયોધ્યામાં રામ મંદિરની અંતિમ ડિઝાઈન તૈયાર થઈ અને તેની 3D ઈમેજ સામે આવી, ત્યારથી તેમણે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવાનો વિચાર આવ્યો. તમામ લોકો અયોધ્યા ના પહોંચી શકે, પરંતુ અયોધ્યાનું રામ મંદિર તો તમામ લોકોના ઘર સુધી પહોંચાડવાના ઈરાદાથી આ પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ લેઝર કટિંગ મારફતે લાકડાના મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાના મૂળ રામ મંદિરની જેમ જ ગર્ભગૃહ, સભગૃહ, ગુંબજ, પ્રવેશદ્વારની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

વધુમાં રાજેશભાઈએ જણાવ્યું કે, અમારી ટીમ મંદિરને ભવ્ય બનાવવાનો શક્ય તમામ પ્રયાસ કરે છે. આ મંદિર લાકડાના રંગમાં બનાવવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ સાથે જ મંદિરને પાંચ આકારમાં બનાવવામાં આવે છે. જે દેખાવમાં અસલ અયોધ્યા મંદિર જેવું જ લાગે છે. જેમાં સૌથી નાના આકારના 4*6 ઈંચથી લઈને 4.6 ફૂટ સુધીના મંદિર બનાવવામાં આવે છે. જેનું વજન 500 ગ્રામથી લઈને 30 કિલો સુધીનું છે. આ મંદિર બનાવવામાં કોઈ પણ રંગનો ઉપયોગ કરવાની જગ્યાએ MDF પાઈનવુડ પ્લાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેની ચમક આગામી 100 વર્ષો સુધી જળવાઈ રહે છે.

અત્યાર સુધીમાં આવા 5 હજારથી વધુ મંદિર બની ચૂક્યા છે. આ મંદિરને લોકો ઘરમાં સજાવટ તરીકે રાખવા ઉપરાંત અન્ય લોકોને ભેટમાં આપવા માટે ઓર્ડર આપી રહ્યાં છે.