ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આગામી થોડા દિવસોમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં એક રિપોર્ટ સામે આવ્યો છે જેણે સંજુ સેમસનના ફેન્સને થોડા ચોંકાવી દીધા છે. અહેવાલ છે કે BCCI ટી-20 વર્લ્ડ કપમાં ઋષભ પંત અને કેએલ રાહુલને વિકેટ કીપર તરીકે લેવાનું વિચારી રહી છે. આવી સ્થિતિમાં IPL 2024માં સારા ફોર્મમાં ચાલી રહેલ સંજુ સેમસન પોતાનું સ્થાન ગુમાવી શકે છે. આ સિવાય શિવમ દુબેની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થવાની સંભાવના છે.
BCCIની પસંદગી સમિતિના એક સૂત્રએ ANIને જણાવ્યું હતું કે, “ઋષભ પંત અને કેએલ રાહુલને ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. શિવમ દુબેની પણ ટીમમાં પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે.”
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત ફરી એકવાર IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા છે. પંતનું આ પુનરાગમન વિસ્ફોટક હતું. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં તેણે 46.38ની એવરેજ અને 160.60ની સ્ટ્રાઈક રેટથી 371 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં તે ટોપ-5 બેટ્સમેનોમાં સામેલ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ વર્તમાન IPL 2024માં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિકેટકીપર-બેટ્સમેને નવ મેચમાં 42ની એવરેજ અને 144.27ના સ્ટ્રાઈક રેટથી 378 રન બનાવ્યા છે.
સંજુ સેમસન ઓરેન્જ કેપની રેસમાં કેએલ રાહુલ અને રિષભ પંતથી આગળ છે. સેમસન 27 એપ્રિલ, શનિવારે રાત્રે લખનૌ સુપર જાયન્ટ્સ સામેના મેચ-વિનિંગ પ્રદર્શન બાદ આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. સેમસને એલએસજી સામે 33 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે તેણે આ રંગીન લીગમાં 9 મેચમાં 77ની એવરેજ અને 161.09ની સ્ટ્રાઈક રેટ સાથે 385 રન બનાવ્યા છે.
જો શિવમ દુબેની વાત કરીએ તો તે અત્યારે મજબૂત ફોર્મમાં છે. તેના મજબૂત પ્રદર્શનથી, તે માત્ર તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને એક પછી એક મેચ જીતવામાં મદદ કરી રહ્યો નથી, પરંતુ T20 વર્લ્ડ કપની ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત કરવા માટેનો દાવો પણ દાખવી રહ્યો છે. 8 મેચમાં દુબેએ 51.83ની એવરેજ અને 169.94ના સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.







