ગાંધીનગર: ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં સચિવાલયમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બંને અમદાવાદના હોવાથી સૌરાષ્ટ્ર વિસ્તારને આ વખતે વધુ તક મળશે એવી ચર્ચા ચાલી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રની જાણે બાદબાકી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરાંત AAPના ગોપાલ ઈટાલિયા સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે એ પણ નિશ્ચિત છે. એમાં જયેશ રાદડિયા અને જિતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.

જો કે પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી જિતુ વાઘાણીને હોમ ડિપાર્ટમેન્ટ મળી શકે છે. એવી ધારણા થઈ છે કે મંત્રીમંડળના આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્ત્વનાં પદ અપાશે. ખાસ કરીને પાટીદોરોને વધુ મહત્ત્વ મળશે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાંથી પણ ઠાકોર સમાજને સારાં ખાતાં મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતને આ વખતે પ્રમાણમાં થોડું ઓછું મળવાની શક્યતા છે.રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પોતાની રાજકીય હાજરી મજબૂત બનાવી રહ્યા છે, જેના પગલે ભાજપ સંગઠન સ્તરે સૌરાષ્ટ્રના નેતાઓને વધુ સ્થાન આપવાની ચર્ચા છે.

હાલના કેબિનેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન બાબરિયા જેવા મંત્રીઓ પોતાના પદ પર યથાવત રહેવાની શક્યતા છે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિને બદલવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ સાથે નવા ચહેરાઓને સ્થાન આપવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, હાલના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી(રાજુલા), સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા અથવા તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં ધર્મપત્ની અને જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટણી જીતેલા પોરબંદરના બોલકા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે. ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સી. જે. ચાવડાને મંત્રીપદ મળે એવી શક્યતા પણ જોવાઈ રહી છે.