કચ્છઃ ગત અઠવાડિયે કચ્છના લુડબાય ગામે એક જ સપ્તાહમાં પાંચ બાળકોના મોત થતાં ભારે ચકચાર મચી હતી.ગામના સરપંચ દ્વારા આક્ષેપ કરાયો હતો કે આ પાંચ મોત કુપોષણના કારણે થઈ છે છતાંય આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. સરપંચ દ્વારા જાતે જ એક સામાજિક સંસ્થાના સહયોગથી ગામમાં મેડિકલ કેમ્પ યોજી કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરાવ્યું હતું.

199 બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ
ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજીત મેડિકલ કેમ્પમાં 322 બાળકોનું પરીક્ષણ કરવામા આવ્યું હતું જેમાંથી 39 બાળકો કુપોષિત હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતી પ્રસારિત થયા બાદ આરોગ્ય વિભાગની ટીમ પણ લુડબાય દોડી આવી હતી અને બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમ દ્વારા કરાયેલ સર્વેમાં ગામના 224 બાળકોમાંથી 199 બાળકોની સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતુ. આ સ્ક્રીનીંગમાં જાણવા મળ્યું હતું કે ગામના 27 બાળકો સામાન્ય કુપોષિત છે અને 13 બાળકો અતિ કુપોષિત પરિસ્થિતિમાં છે.

કુપોષણના ચોંકાવનારા આંકડા
એક જ ગામના પાંચ બાળકો કુપોષણના કારણે મોતને ભેટ્યા હોવાનું જણાયા બાદ કચ્છના કુપોષિત બાળકોના ચોંકાવનારા આંકડા પર પ્રકાશ પડ્યું છે. વર્ષ 2022-23માં જિલ્લામાં 13,502 બાળકો કુપોષિત હોવાનું જાણવા મળ્યું હતું તો આ વર્ષે એપ્રિલ મહિનાથી અત્યાર સુધી 6,485 કુપોષિત બાળકો જોવા મળ્યા છે. અંદાજિત માત્ર 21 લાખ લોકોની વસતીમાં 13 હજાર બાળકો કુપોષિત હોતાં કચ્છમાં કુપોષણનું પ્રમાણ ખૂબ ચિંતાજનક જણાય છે.

ગત વર્ષે 607 બાળકોના મૃત્યુ થયા
કચ્છમાં બાળકોના મોતના આંકડા પર પ્રકાશ પાડવામાં આવે તો ગત વર્ષે કચ્છમાં 607 બાળકોના મૃત્યુ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે અત્યારસુધી 211 બાળકોની મોત નોંધાઇ ચૂક્યા છે. કુપોષણ એક અંડરલાઈંગ બીમારી હોવાના કારણે કુપોષિત બાળકોની મોતના આંકડા નોંધવામાં આવ્યા નથી. પરંતુ આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે નિયમાનુસાર તેના 6 થી 7 ટકા બાળકો કુપોષિત હોવાનું જાણવા મળે છે. તે પ્રમાણે છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 40 જેટલા બાળકોનું કુપોષણના કારણે મોત થયું હોવાનું તારણ નીકળે છે.

આ વર્ષની શરુઆતથી 8 બાળકોના મોત
કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. રવિન્દ્ર ફૂલમાલીએ જણાવ્યું હતું કે, “આ વર્ષની શરૂઆતથી લુડબાય ગામના કુલ આઠ બાળકોના મોત થયા છે. આ બધા બાળકોની મોતના કારણ જુદા છે. ન્યૂમોનિયા, હાઈ ગ્રેડ ફીવર, સ્ટીલ બર્થ, પ્રિમેચ્યોરિટી જેવી બીમારીને કારણે આ મોત થઈ છે તો માટે એક જ બાળકને હાઈ કુપોષણ વધતા એક્યુટ રેસ્પિરેટરી ઇલનેસના કારણે મોત થઈ છે.