મોરબીમાં ચોંકાવનારું કૌભાંડ : ગેરકાયદેસર ટોલ નાકું ઉભું કરી ઉઘરાવતાં હતા ટેક્સ, અનેક મોટા નામ સામે આવ્યા…

મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાંકાનેરના વઘાસીયા ગામમાથી ગેરકાયદેસર ટોલ નાકાનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ વઘાસિયામાં આવેલી એક ફેક્ટરી ભાડે રાખી હતી, જેને ટોલનાકું બનાવી ફોર વ્હીલ, નાના ટ્રક, મોટા ટ્રક સહિતના વાહનોને દોઢ વર્ષથી છેતરી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને છેલ્લા દોઢ વર્ષમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી વિગતો અનુસાર મોરબીના વાંકાનેરના વઘાસિયા ગામે એક ટોલનાકું આવેલું છે, જે નકલી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ અહીં બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા અને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200ની ઉઘરાણી કરાતી હતી.

વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે વઘાસીયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદી બની હતી. આ મામલે સિટી પોલીસે ફરિયાદ નોંધી અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો ફરિયાદમાં સમાવેશ

આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે.