બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી….વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને ઘૂસ્યા, શેખ હસીનાએ દેશ છોડ્યો, PM પદ પરથી આપ્યું રાજીનામું !
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી તે મિલિટરી હેલિકોપ્ટરમાં ભારત જવા રવાના થયા છે. આ માહિતી પ્રથમ આલો દૈનિક દ્વારા આપવામાં આવી છે. સોમવારે બપોરે 2.30 કલાકે શેખ હસીનાને લઈને લશ્કરી હેલિકોપ્ટર બંગભવનથી રવાના થયું હતું. તે સમયે તેની નાની બહેન શેખ રેહાના પણ તેની સાથે હતી. સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે તે હેલિકોપ્ટર દ્વારા ભારતના પશ્ચિમ બંગાળ જવા રવાના થઈ છે.
બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે, અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરના સમયે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ઓલરેડી હુમલાના કારણે પોલીસકર્મીઓ કંઈ કરી શક્યા ન હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા. આ દરમિયાન સેના રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહી છે.
બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સેનાના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. સેનાના સત્તાવાર પ્રવક્તા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ઓફિસર રશીદુલ આલમે કહ્યું કે જનરલ વોકર લોકોને સંબોધિત કરશે.
સેના ટેન્ક સાથે શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહી છે
બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે સેના રસ્તાઓ પર ટેન્ક સાથે પેટ્રોલિંગ કરી રહી છે. આટલું છતા આંદોલનકારીઓના જુસ્સા ઓસર્યા નથી. ઘણી જગ્યાએ લોકોના ટોળા ટેન્ક સાથેના સૈનિકો સાથે અથડામણ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આરક્ષણ સામે ચાલી રહેલા વિરોધમાં રિક્ષાચાલકો પણ જોડાયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સેંકડો રિક્ષાચાલકોએ ઢાકાના રસ્તાઓ પર પ્રદર્શન કર્યું.
અત્યાર સુધીમાં 300 લોકોના મોત !
શેખ હસીના સરકાર દ્વારા સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન શેખ હસીના સતત પ્રદર્શનકારીઓને શાંતિની અપીલ કરી રહ્યા છે. આમ છતાં આંદોલનકારીઓ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર નથી. આખા દેશમાં લોહીની રમત અને હિંસા ચાલી રહી છે. PM શેખ હસીનાના રાજીનામાની માગણી સાથે દેશભરમાં પ્રદર્શનકારીઓએ હિંસક પ્રદર્શન કર્યું, જેમાં 13 પોલીસકર્મીઓ અને 6 પત્રકારો સહિત 100 લોકોના મોત થયા.બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા ચાલુ છે.સમાચાર એજન્સી એએફપી અનુસાર, બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે.