ચિલી-આર્જેન્ટિના બોર્ડર વિસ્તારમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. શુક્રવારે સવારે 7.20 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપમાં મોટી તબાહીની આશંકા છે.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તટીય શહેર એન્ટોફાગાસ્તાથી 265 કિલોમીટર પૂર્વમાં 128 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:51 કલાકે આવ્યો હતો. હજુ સુધી નુકસાનના કોઈ સમાચાર નથી. એએફપીના જણાવ્યા અનુસાર હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
અગાઉ જાન્યુઆરીમાં ઉત્તરી ચિલીના તારાપાકા વિસ્તારમાં 118 કિલોમીટરની ઊંડાઈએ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે કોઈ નુકસાનના સમાચાર નથી. ચિલી વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ભૂકંપ આવે છે. તે પેસિફિક મહાસાગરના “રિંગ ઓફ ફાયર” પર સ્થિત છે, જે ધરતીકંપની રીતે અસ્થિર પ્રદેશ છે. જ્યાં દુનિયામાં અનેક જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપ થાય છે.
વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી રેકોર્ડ થયેલા ધરતીકંપોએ ચિલીને હચમચાવી નાખ્યું છે, જેમાં 1960માં દક્ષિણ શહેર વાલ્ડિવિયામાં ત્રાટકેલા 9.5ની તીવ્રતાનો ભૂકંપનો સમાવેશ થાય છે.