ચોટીલા ખાતે આવેલ પ્રખ્યાત ચોટીલા ચામુંડા માતાજી મંદીર દ્વારા હોળી પર્વને લઈને મહત્વપૂર્ણ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે હજારો ભક્તો હોળી નિમિત્તે ચોટીલા ડુંગર પર માતાજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

3 માર્ચે ચંદ્રગ્રહણ હોવા છતાં મંદિર ખુલ્લું રહેશે

મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર 3 માર્ચે ચંદ્રગ્રહણ હોવા છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. સામાન્ય રીતે ગ્રહણ સમયે મંદિરો બંધ રાખવાની પરંપરા હોય છે, પરંતુ ભક્તોની લાગણી અને ભારે ભીડને ધ્યાનમાં રાખી આ ખાસ નિર્ણય લેવાયો છે.

2 માર્ચે હોળી પર્વની પરંપરાગત ઉજવણી

તારીખ 2 માર્ચે ચોટીલા ડુંગર પર હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે જેમ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, તેવી જ રીતે આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભક્તો પહોંચવાની શક્યતા છે.

પગથિયાં 5 વાગ્યાથી 3 માર્ચે રાત્રે 2:30 સુધી ખુલ્લાં

દર્શનાર્થીઓની સુવિધા માટે 2 માર્ચે સવારના 5:00 વાગ્યાથી લઈને 3 માર્ચે રાત્રે 2:30 વાગ્યા સુધી ચોટીલા ડુંગરના પગથિયાં સતત ખુલ્લાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો કોઈપણ સમયે માતાજીના દર્શન કરી શકશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા, તેમજ તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.