ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલી શપથ લીધી છે. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલે શપથ લીધી છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે (17 ઓક્ટોબર) મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

રાજ્યના ગૃહમંત્રી પદે રહેલા હર્ષ સંઘવીએ હવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ સુરતના મજુરાથી ધારાસભ્ય છે. સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.