સોશિયલ મીડિયાના ચક્કરમાં ફસાઈને ઘણા યુવક-યુવતીઓ પ્રેમમાં પડ્યા હોય અને એકબીજાની સાથે ભાગી ગયાના કિસ્સા બન્યા છે. પણ ટ્યુશન ટીચર પોતાનાથી ઘણા નાના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ હોય તેવો પહેલો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો. 23 વર્ષિય શિક્ષિકા પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ.

સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જવાની ઘટનાએ સુરત શહેરમાં ચર્ચાનો માહોલ જગાવ્યો છે.પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 11 વર્ષીય વિદ્યાર્થીને તેની નજીકના વિસ્તારમાં જ રહેતી તેની ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે ભગાવી ગઇ હતી. સોસાયટીના સીસીટીવી ચેક કરતાં આ બાળકને તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે લઈ જતી હોવાનું અને તેના ખભા પર એક બેગ પણ દેખાઈ આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષિકાનો પત્તો મેળવવા પોલીસે ચાર ટીમ બનાવી છે અને જોરશોરથી તપાસ શરૂ કરી હતી.

આ સમયગાળા દરમિયાન આ શિક્ષિકાનો મોબાઈલ ફોન સુરત રેલવે સ્ટેશન પાસેથી બંધ થયો હોવાથી તે ટ્રેન અથવા તો નજીકમાં આવેલા સરકારી બસ સ્ટેશનથી બસ મારફત ક્યાંક ગઈ હોવાની પ્રબળ આશંકા સાથે તપાસ શરૂ કરી હતી. આખી રાત સીસીટીવી ફંફોળ્યા બાદ પણ પોલીસને સુરત રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર આ શિક્ષિકા અને વિદ્યાર્થી બેસતા ન દેખાતાં પોલીસ ચકરાવે ચઢી હતી.

શિક્ષિકાએ ભાગ્યાના બે દિવસ પહેલાં જ ટ્રોલી બેગ ખરીદી હતી
પોલીસે અપહરણ થયું એ 25 એપ્રિલ અને તેના આગલા દિવસોના પણ ફુટેજ ચેક કરતાં બાળકનું અપહરણ કર્યા બાદ શિક્ષિકા રિક્ષામાં બેસીને પરવત પાટિયા વિસ્તારમાં આવી એક દુકાનમાંથી વધુ સામાન મૂકી શકાય એ માટે એક ટ્રોલી બેગ ખરીદતી નજરે પડે છે. ભાગતી વખતે જે સ્કૂલબેગ ખભા પર લટકાવી હતી એ તેણે બે દિવસ પહેલાં ખરીદી હોવાનું જણાઇ આવતાં આ શિક્ષિકા પહેલાંથી ભાગવાનો પ્લાન કરતી હોય એવો અંદાજો પોલીસે લગાવ્યો હતો.

એક વર્ષ આ એક જ વિદ્યાર્થી ટ્યૂશનમાં જતો હતો
વિદ્યાર્થીને ભગાવી જવા પાછળનો ઇરાદો શું હતો એ જાણવા પોલીસ મથી રહી છે. 11 વર્ષીય વિદ્યાર્થી છેલ્લાં ત્રણ વર્ષથી 23 વર્ષીય શિક્ષિકા પાસે ટ્યૂશન જતો હતો. અગાઉ ત્યાં કુલ ત્રણ વિદ્યાર્થી ભણવા આવતા હતા, પણ છેલ્લા એક વર્ષથી તે એકલો જ ભણતો હતો. 11 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ-કમ-ટ્યૂશન શિક્ષિકાના ઘરે ટ્યૂશન માટે જતો હતો.

બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં
પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે શિક્ષિકા પાસે અન્ય એક નંબર છે જે ચાલુ હતો. જેનેટ્રેસ કરવામાં આવ્યો હતો અને બંનેને પકડી પાડવામાં આવ્યા. બંનેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકાબીજાને ઓળખે છે. બંનેનાં પરિવારજનો પણ એકબીજાના પરિવારને ઓળખે છે અને સંપર્કમાં પણ છે. વિદ્યાર્થી આ શિક્ષિકા પાસે છેલ્લાં ત્રણ વર્ષથી ટ્યૂશન જતો હતો. પહેલાં ત્રણ વિદ્યાર્થીઓ હતા જ્યારે છેલ્લા એક વર્ષથી આ એક જ વિદ્યાર્થી તેના ઘરે ટ્યૂશન માટે જતો હતો. જેથી બંને એકબીજાને પસંદ પણ કરવા લાગ્યાં હતાં.

શિક્ષિકાની ઉંમર 23 વર્ષ થઈ ગઈ હોવાથી પરિવારજનો લગ્ન માટે કહી રહ્યાં હતાં અને પરિવારજનોએ ઠપકો પણ આપ્યો હતો. આ સાથે વિદ્યાર્થીને પણ પરિવારજનો અભ્યાસ માટે ઠપકો આપતા હતા. દરમિયાન શિક્ષિકાએ તમામ તૈયારીઓ કરી હતી અને આ વિદ્યાર્થીને સાથે ભગાવીને લઈ ગઈ હતી.