ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો.

આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ પછી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

ભારતે 17મી ઓવરમાં મેચનો પલટો કર્યો હતો. 16 ઓવર સુધીમાં દક્ષિણ આફ્રિકાએ ચાર વિકેટે 151 રન બનાવી લીધા હતા. ત્યારબાદ મિલર અને ક્લાસેન ક્રિઝ પર હતા. દક્ષિણ આફ્રિકાને અંતિમ 24 બોલમાં 26 રનની જરૂર હતી. આ પછી, 17મી ઓવરમાં હાર્દિકે ક્લાસેનને આઉટ કર્યો અને માત્ર ચાર રન આપ્યા. 18મી ઓવરમાં બુમરાહે યાનસેનને આઉટ કરીને બે રન આપ્યા હતા. અર્શદીપે 19મી ઓવરમાં ચાર રન આપ્યા હતા.

દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા જ બોલ પર મિલરને આઉટ કર્યો હતો. રબાડાએ બીજા બોલ પર ચાર રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર રબાડાએ એક રન લીધો હતો. મહારાજે ચોથા બોલ પર એક રન લીધો. તેનો આગામી બોલ વાઈડ હતો. હાર્દિકે પાંચમા બોલ પર રબાડાને આઉટ કર્યો હતો. છેલ્લા બોલ પર એક રન આવ્યો અને ભારત સાત રનથી જીતી ગયું.