ચૂંટણી તો પૂરી થઈ પણ ઉમેદવારને લઈ નારાજગી હજુ યથવાત, અમરેલી બેઠકના ઉમેદવારને લઈ BJP નેતાએ આપ્યું સ્ફોટક નિવેદન…

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ હજુ ઉમેદવારોને લઈ જાણે રોષ શાંત ન થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન અમરેલી બેઠક પર વર્તમાન સાંસદની ટિકિટ કાપી અને નવા ચહેરાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવારને લઈ ચૂંટણી બાદ પણ ભાજપના નેતાની નારાજગી સામે આવી છે. તેણે ઉમેદવાર પસંદગી પર સવાલ કરતાં કહ્યું કે તમે 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો છે.

લોકસભામાં આ વખતે અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું હતું. ત્યારે ઓછા મતદાન મુદ્દે નારણ કાછડિયાએ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે. ભાજપના કાર્યકર્તાને સાઈડલાઈન કરી નવા આવનારને હોદ્દો આપનારને ક્યારેય સ્વીકારી શકાય નહીં.

પેરાશૂટ ઉમેદવારો પર નિશાન તાકતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. નારણ કાછડિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસ અને આપમાંથી નેતાઓ ભાજપમાં સવારે આવે છે અને બપોરે તેમને ટિકિટ મળી જાય છે. ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકરોની કદર કરવાની જરૂર છે.’ ‘આ ચૂંટણીમાં ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે. તેનું કારણ છે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસિનતા. એ ઉદાસિનતા અને નિરસ્તા એટલા માટે છે કે, આજે તમે જે કંઇ કરી રહ્યા છો તેનાથી કાર્યકર્તાને નારાજગી છે. 2019માં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,નગરપાલિકા કે કોઇ ધારાસભ્ય આપણો ન હતો છતાં 2 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.’

આક્રમકતા સાથે નારણ કાછડિયાએ કહ્યું કે, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા છતાં ભાજપે ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.