ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકારે નવો દાવ ખેલ્યો છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.17 નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.

રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે. વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થાય તેવા પ્રજાહિતલક્ષી અભિગમથી આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપી છે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, વાવ-થરાદ જિલ્લામાં હાલના બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ કરીને થરાદને જિલ્લા મુખ્ય મથક સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની રચના અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમને વિકાસ અને વહિવટમાં વધુ સશક્ત બનાવવા ATVT એટલે કે, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાની વિભાવના આપી હતી. મુખ્યમંત્રીએ ગત સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જે જાહેરાત કરેલી છે, તેનો લાભ નવા બનનારા તાલુકા મથકોને મળવાથી તેનો પણ શહેરી ઢબે વિકાસ થઈ શકશે.

હાલના 51 વિકાસશીલ તાલુકામાંમાં 10 તાલુકાનો વધારો થશે
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને વિકસિત ભારત @2047ના કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત @2047 માટે વિકાસશીલ તાલુકાઓ વિકસિત થાય તે દિશામાં નવા જિલ્લા-તાલુકાઓની રચના કરવામાં આવશે. આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તેમને પણ વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે.એટલું જ નહીં, નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતના તાલુકાઓને પણ વિકાસના મોડલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પૂરવાર થશે. નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું ટૂંક જ સમયમાં પ્રસિદ્ધ કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નવા 17 તાલુકાઓ અને તેમની વિસ્તૃત માહિતી

આ નવા તાલુકાઓની રચનાથી જે તે વિસ્તારના લોકો માટે વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે. તાલુકા કક્ષાના સરકારી કાર્યાલયો નજીક આવવાથી લોકોને લાંબા અંતરની મુસાફરી કરવી નહીં પડે. આ એક મહત્વપૂર્ણ પગલું છે જે રાજ્યના વિકાસમાં નવો અધ્યાય ઉમેરશે.

વાપીમાંથી નાનાપોંઢા: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાંથી નાનાપોંઢા તાલુકો બનશે, જે આદિવાસી વિસ્તારના વિકાસ માટે મદદરૂપ થશે.

વાવમાંથી ધરણીધર: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાંથી ધરણીધર તાલુકો બનશે.

સોનગઢમાંથી ઉકાઈ: તાપી જિલ્લાના સોનગઢમાંથી ઉકાઈ તાલુકો બનશે, જે ઉકાઈ ડેમ વિસ્તારના ગામોને આવરી લેશે.

સંતરામપુરથી ગોધર: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી ગોધર તાલુકો બનશે.

મહુવાથી અંબિકા: સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકો બનશે.

બાયડમાંથી સાઠંબા: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો નિર્માણ પામશે.

માંડવીમાંથી અરેઠ: સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી અરેઠ તાલુકો બનશે.

લુણાવાડામાંથી કોઠંબા: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકો બનશે.

કાંકરેજમાંથી ઓગડ: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગડ તાલુકો બનશે.

ડેડિયાપાડામાંથી ચીકદા: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી ચીકદા તાલુકો બનશે.

દાંતામાંથી હડાદ: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી હડાદ તાલુકો બનશે.

થરાદમાંથી રાહ: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી રાહ તાલુકો બનશે.

ઝાલોદમાંથી ગોવિંદગુરૂ લીમડી: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી ગોવિંદગુરૂ લીમડી તાલુકો બનશે, જે શહીદ ગોવિંદ ગુરૂના નામ સાથે જોડાયેલ છે.

ફતેપુરામાંથી સુખસર: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી સુખસર તાલુકાનું નિર્માણ થશે.

કપડવંજ-કઠલાલમાંથી ફાગવેલ: ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલ બંને તાલુકાના અમુક વિસ્તારોને સમાવીને ફાગવેલ તાલુકો બનશે, જે યાત્રાધામ ફાગવેલને કેન્દ્રમાં રાખશે.

જેતપુર પાવીમાંથી કદવાલ: છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાંથી કદવાલ તાલુકો બનશે.

ભીલોડામાંથી શામળાજી: અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાંથી શામળાજી તાલુકો બનશે, જે સુપ્રસિદ્ધ શામળાજી મંદિરને કેન્દ્રમાં રાખીને બનશે.

આ નવા તાલુકાઓની રચનાથી રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિ મળશે અને સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે. આશા છે કે આ નિર્ણયથી નાગરિકોને સરકારી સેવાઓ વધુ સરળતાથી અને ઝડપથી મળી રહેશે.