કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણને ન્યાય મેળવવાના અધિકારમાં ગણવામાં આવ્યો
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરતી દેશની પ્રથમ કોર્ટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 26 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ યુ ટ્યુબ ઉપર કરવામાં આવ્યું. આ અંગે પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 24 માર્ચ 2020 થી Covid ના કારણે ગુજરાત હાઇકોર્ટનું કામ “વર્ચ્યુલ” પદ્ધતિથી ચાલી રહ્યું છે. કેસના વકીલો, પક્ષકારો, સહેદો “વર્ચ્યુલ” રીતે કોર્ટની કાર્યવાહીમાં સામેલ થઈ રહ્યા છે. માનનીય સુપ્રીમ કોર્ટ તથા માનનીય ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવિધ જાહેરહિતની અરજીની સુનાવણી દરમ્યાન ચુકાદો આપતા જણાવ્યુ છે કે કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયના હિતમાં જરૂરી છે. આ તરફ પ્રાયોગિક ધોરણે પગલું ભરતા ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ નંબર 1 ની કાર્યાવહીનું જીવંત પ્રસારણ 26 ઓક્ટોબર 2020 થી યુ ટ્યુબ ઉપર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રાયોગિક ધોરણે શરૂ થયેલ પદ્ધતિના અનુભવો ઉપરથી આ પદ્ધતિમાં સુધારા તથા વધારા કરવાં અંગે નિર્ણય લેવામાં આવશે. બીજા દિવસની કાર્યવાહી માટેની યુ ટ્યુબ લિન્ક આગલા દિવસે સાંજે ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસના જીવંત પ્રસારણને 24 કલાકથી પણ ઓછા સમયમાં 88 હજારથી વધુ વ્યૂ મળ્યા છે.
હાલ, ભારતનો સમાવેશ એવા જૂજ લોકતાંત્રિક દેશોમાં થાય છે જ્યાં કોર્ટની કાર્યવાહીનું ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ થતું નથી. આ પ્રકારની નવી પદ્ધતિના કારણે ભારતીય ન્યાય પદ્ધતિ એક નવી દિશામાં આગળ વધશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ-journalist- una