રાજ્યના મેગાસિટીના કે કોઈપણ શહેરના રસ્તાઓ નબીરાઓ માટે રેસિંગ ટ્રેક કે ટ્રાયલ માટે હોતા નથી. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોને ઉડાવ્યા પછી અનેક ઘટનાઓ આવી પણ કશું બદલાયું ખરા? આ સવાલ યક્ષ પ્રશ્નની જેમ મનમાં ખટકી રહ્યો છે તેનો જવાબ મળે એ પહેલા જ ગાંધીનગર અને વડોદરામાંથી એવા દ્રશ્યો સામે આવ્યા કે હવે તો સમાજે જાગી જવાની તાતી જરુર છે.

સૌથી પહેલા વાત કરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની કે જ્યાં રસ્તો જાણે સ્ટંટ કરવા માટે હોય તેમ નબીરાઓ સેક્ટર-7ને પોતાના બાપનો રસ્ત સમજીને જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા. સ્ટંટબાજો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે કે અમારા પાસે ગાડી છે, પૈસો છે, ઓળખાણ છે ગમે તેમ કરીશુ તો બાપા છોડાવી લેશે એટલે જાહેરમાર્ગ પર જોખમી સ્ટંટ કરીને લોકોનો જીવ જોખમમાં મુકી રહ્યાં છે. ગાંધીનગરના સેક્ટર સાતના VIP રોડ પર ચાલુ કારે જોખમી સ્ટંટ કરતા નબીરાઓ જોવા મળ્યા.કાર પર ઊભા થઈને ડાન્સ કરતા આ નબીરાઓને પોતાના જીવની પરવા હોય કે ન હોય પરંતુ બીજા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુખ્યા હતા. આ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવે તેવુ જોવુ રહ્યું.

હવે વાત કરીએ વડોદરાની કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે 13 માર્ચના દિવસે નશામાં ચુર નબીરાએ બેફામ કાર ચલાવીને 8 લોકોને ફુટબોલની જેમ ફંગોળ્યા. આ ઘટનામાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું તો સ્થળ પર જ મૃત્યુ થયું. જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજાઓ થઈ હતી. એક બાળકી સહિત અન્ય સાત લોકોને પણ ઈજા થઈ જેમાંથી બે લોકો ગંભીર હાલતમાં છે.

અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા (વારાણસી, ઉત્તર પ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં કાયદાનો જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

ફોક્સવેગન વર્ચસ કાર(GJ06RA 6879) આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે RTOમાં આ કારનું ડિયોન ટેકનોલોજી પ્રા.લિ.ના નામે રજિસ્ટ્રેશન છે. આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ શેનો નશો કર્યો હતો તે જાણવા માટે બન્ને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં બન્નેએ ડ્રગ્સ લીધું હોવાનું સામે આવ્યું હતું.

અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ…. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે.

ધૂળેટીનો કલર લેવા નીકળ્યા ને પરિવારની જિંદગી બેરંગ થઈ
મૃતક હેમાલીબેન પટેલ તો ધૂળેટીનો તહેવાર હોવાથી ગઈકાલે રાત્રે કલર લેવા નીકળ્યા હતા ક્યાં ખબર હતી કે પરિવારની જિંદગી બેરંગ થઈ જશે. નાનુ બાળક હતુ જે માતા-પિતાની કલ્પનામાં રાહ જોતુ હશે કલરની અને તહેવારોની ઉજવણીની પણ છત્રછાયા જ ગુમાવી દેશે એવી ક્યાં ખબર હતી.

સમાજે હવે વિચારવાનું છે કે સંતાનો કઈ દિશામાં જઈ રહ્યાં છે. માતા-પિતા કોઈ પણ સંતાનને એવું કહેતા નથી કે રસ્તા પર જઈને કોઈને ઉડાવી દે, કે નશામાં ચુર થઈને બેફામ સ્ટંટ કરતો ફરજે પણ કમનસીબી એ છે કે માતા-પિતા સાચુ પણ કહેતા નથી. કોઈ પણ મા 9 મહિના સંતાનને ગર્ભમાં પોષીને પેટે પાટા બાંધી પ્રસવની પીડા એટલે નથી સહન કરતી કે દીકરો કે દીકરી રસ્તા પર જઈને કોઈનો ભોગ લઈ લે અથવા ભોગ બની જાય. આ દરેક મા-બાપે સમજવા જેવી વાત છે.અપેક્ષા રાખીએ કે સરકાર પણ કડક કાર્યવાહી કરશે.  પ્રસવની પીડા એટલે સહન નથી કરતી માતા કે દીકરો કોઈને અકસ્માતમાં ઉડાવી દે કે કોઈ અકસ્માતનો ભોગ બને