રાજકોટનાં આ શિવાલયમાં થાય છે ભક્તોની મનોકામના પૂર્ણ…

  • નાગ-નાગણીની જોડી બિરાજે છે એવું 117 વર્ષ જુનુ કાશી વિશ્વનાથ મંદિર

હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. જામનગરને જેમ છોટા કાશી તરીકે ઓળખાય છે તે જ રીતે રાજકોટ શહેરને પણ છોટા કાશીની ઉપનામ પ્રાપ્ત થયેલ છે.

17 ઓગસ્ટના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના દર્શનનો લ્હાવો લેવા શિવાલયોમાં શિવભક્તો ઉમટી પડે છે. શ્રાવણ માસમાં દરરોજ શિવમંદિરોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. સાથે જ શિવમંદિરો ‘હર હર મહાદેવ’ ‘હર હર ભોલેનાથ’ના નાદથી ગૂંજી ઉઠે છે. ત્યારે દરેક શિવમંદિરોની અલગજ વિવિધ, ઈતિહાસ અને વિશેષતા રહેલી હોય છે. ત્યારે આવા જ એક રાજકોટમાં બિરાજમાન મહાદેવ એટલે કાશી વિશ્વનાથ મહાદેવ… રાજકોટમાં આવેલુ કાશી વિશ્વનાથ મંદિર પણ પોતાનામાં અનેક વિશેષતા ધરાવે છે. જેના કારણે રાજકોટ શહેરને પણ છોટે કાશીનું ઉપનામ મળ્યુ છે. રાજકોટના સદર બજારમાં કાશી વિશ્વનાથ મેઈન રોડ પર આવેલુ કાશી વિશ્વનાથ મંદિર પ્રાચીન છે.

મંદિરના મહંત પ્રદિપ આચાર્યના જણાવ્યું હતું કે, કાશીવિશ્વનાથનું આ મંદિર સદર બજારમાં કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલુ છે. અમે છેલ્લી 4 પેઢીથી કાશી વિશ્વનાથ મંદિરમાં સેવા પુજા કરીએ છીએ. આ મંદિર 117 વર્ષ જુનુ છે અને આ મંદિરનો મહિમા વિશેષ છે. અહિંયા શ્રાવણ મહિનામાં ભક્તો વિશેષ પૂજા અર્ચના કરવા માટે આવે છે.

કેવી રીતે થઈ મંદિરની સ્થાપના ?

મરાઠા સૈન્ય જયારે અહિંયા પડાવ નાખતા ત્યારે એક શિવભક્તને અહિંયાથી શિવલિંગની પ્રાપ્તિ થઈ હતી, ત્યારે આ સ્થળ પર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ અહિંયા જે પણ શિવ ભક્તો આવે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જેથી દુર દુરથી પણ ભક્તો અહિંયા કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે આવે છે. શ્રાવણ માસમાં શિવજીનો મહિમા વિશેષ હોવાથી અહિંયા શિવ ભક્તો શ્રાવણ મહિનામાં શિવની પૂજા અને સેવા કરવા માટે આવે છે અને પરમાત્મા તેમની બધી ઈચ્છાઓ પુરી કરે છે.

મંદિરના મહંતે મંદિરના ચમત્કારો વિશે વાત કરતા કહ્યું કે શિવજીએ અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે. શ્રાવણનો આખો મહિનો મંદિરમાં સાંજે દિપમાળા કરવામાં આવે છે. દર સોમવારે અહિંયા અલગ અલગ પ્રકારના હિંડોળાના દર્શન થાય છે.અહિંયા સાંજના સમયે પ્રસાદ પણ આપવામાં આવે છે.

અનેક ચમત્કારો થયા છે આ મંદિરમાં

ચમત્કાર વિશે વાત કરતા કહ્યું કે આજથી 40 વર્ષ પહેલા આ મંદિરની અંદર ચોરો આવ્યા હતા અને નાગ-નાગણીની ચોરી કરીને લઈ ગયા હતા. પણ ભગવાને એવો ચમત્કાર કર્યો કે આ ચોરોએ આ નાગ-નાગણીની જોડીને રેલવે જંકશનમાં મુકીને તેઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે આ વાતની જાણ થતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ નાગ અને નાગણીની જોડીને ફરી પાછી અહિંયા લાવવામાં આવી હતી. રાજકોટમાં ભાગ્યે જ કોઈ શિવ મંદિરની અંદર નાગ-નાગણીની જોડી ભેગી જોવા મળશે.આમ શિવજી અહિંયા આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.

આ મંદિરમાં છેલ્લા 8-10 વર્ષથી પૂજા કરવા આવતા વિશાલ ભટ્ટે કહ્યું કે તેઓ છેલ્લા 9 વર્ષથી મહાદેવને દુધ ચડાવવા માટે આવે છે. પણ અમારો પરિવાર આ મંદિર સાથે છેલ્લા 40-45 વર્ષથી જોડાયેલો છે. અહિંયા શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે અહિંયા આવતા દરેક ભક્તોની શિવજી મનોકામના પૂર્ણ કરે છે.