ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રો મુજબ હાલના અનેક મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. રાજ્યના મુખ્ય પ્રધાન આજે સાંજે નવા મંત્રીમંડળની યાદી રાજ્યપાલને સોંપી શકે છે. રાત્રે 8 વાગ્યે CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં નવા મંત્રીઓના નામો પર અંતિમ મંજૂરી અપાશે.

અમરેલીના ત્રણ ચહેરા ચર્ચામાં
સૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશાં એપીસેન્ટર રહેલા અમરેલી જિલ્લામાંથી પણ કોઇ એકને મંત્રીપદ મળી શકે છે. વર્ષ 2017માં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક કોંગ્રેસે કબજે કરી હતી, જોકે વર્ષ 2022ની વિધાનસભામાં ભાજપે કોંગ્રેસનો એકદમ સફાયો કરી દીધો હતો. આ ઉપરાંત નગરપાલિકાથી લઇને સહકારી ક્ષેત્રે પણ ભાજપનો જ ભગવો લહેરાયેલો છે. બીજી તરફ પાટીદાર અને કોળી સમાજનું અહીં હંમેશાં પ્રભુત્વ રહ્યું છે.

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ચાર બેઠક પર પાટીદાર ધારાસભ્યો છે, જ્યારે એક બેઠક પર કોળી સમાજના ધારાસભ્ય છે. કોળી સમાજમાંથી આવતા અને રાજ્ય સરકારમાં વર્તમાનમંત્રી પુરુષોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત હોવાથી જો તેમને રિપીટ ન કરવામાં આવે તો કોળી સમાજમાંથી આવતા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને મંત્રીપદ મળી શકે છે. બીજી તરફ જો પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી આવતા કૌશિક વેકરિયા અથવા મહેશ કસવાલા બેમાંથી એક પાટીદાર ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે.

જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર અને પૂર્વ નેતાઓ નારાજ હોવાથી વ્યક્તિગત કાર્યાલયો ખોલી દીધાં છે અને તેમણે આવનારા વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવનારી ચૂંટણીમાં પક્ષપલટો કરી વર્તમાન ધારાસભ્યો સામે ચૂંટણી લડવા થનગનાટ કરી રહ્યા હોય એવો પણ સ્થાનિક લેવલે ગણગણાટ શરૂ થઇ ગયો છે. જિલ્લાની ધારી બેઠક જૂનાગઢની વિસાવદર બેઠકને અડીને આવેલી હોવાથી અહીં AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પણ અવરજવર વધી ગઇ છે, જેને લઇને કેટલાક સિનિયર આપમાં જોડાઇ જાય એવી પણ સ્થિતિ ઊભી થઇ શકે છે, જેની માહિતી હાઇકમાન્ડમાં પહોંચી હોવાથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓનું પણ ગણિત શઇ શકે છે.

મંત્રીમંડળ વિસ્તરણનું કારણ શું?
3 વર્ષથી મંત્રીમંડળમાં એકપણ ફેરફાર કરાયો નથી, 2027ની ચૂંટણીની તૈયારી
2022ની ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમની સાથે અન્ય 16 મંત્રીઓને પણ મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટ કક્ષાના 8 અને રાજ્યકક્ષાના 8 મંત્રીનો સમાવેશ થાય છે. ત્રણેક વર્ષથી મંત્રીમંડળમાં એકપણ ફેરફાર કરાયો નથી. બીજી બાજુ 2027ની ચૂંટણીની તૈયારી પણ કરવાની છે.