વડોદરામાં મેઘ તાંડવ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા…

ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ હવે મેઘ તાંડવથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડોદરામાં સવારે 8થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખૂલી પડી ગઈ હતી.

અનેક ઘરમાં પાણી ભરાયા
નવાયાર્ડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી.​​​​​​​ઘરની તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે. તો ​​​​​​​સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું બંધ થતા ગોત્રી જવાનો રસ્તો બંધ થયો છે. જેનાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અટવાયા છે.

જાણો શું કહ્યું કલેકટરે
વડોદરામાં મેઘ તાંડવને લઈ કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

કલેકટરએ ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.

બસ સેવા ખોરવાઈ
વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. શહેરમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાતા સિટી બસ સેવા ખોરવાઈ ગઈ છે. વડોદરા સિટી બસના 25 રૂટ પર બસના ટાયર થંભી ગયા છે. ગોરવા, સમતા, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે. જો સાંજ સુધી વરસાદ બંધ નહિ થાય તો સિટી બસસેવાના તમામ રૂટ બંધ કરાશે.