આજે અડધા ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ, જાણો અંબાલાલે કેમ કરી પૂરની આગાહી?

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના આ 12 જિલ્લાઓમાં છુટા-છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, બોટાદ અને અમરેલીમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યગુજરાતના વડોદરા, આણંદ અને છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરુચ નર્મદા અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારમાં જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચ કરતા વધારે વરસાદની આગાહી કરવામાં આવી હોય.

ચારેય મહાનગરોમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના ચારેય મહાનગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 24 જુલાઈના રોજ પડેલા 14 ઈંચ વરસાદથી પૂરમાંથી હજુ માંડ બહાર આવ્યા છે ત્યારે આજે ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી લોકો ફરી ચિંતામાં મુકાયા છે. જ્યારે સુરત અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે આગામી ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ નહીવત પ્રમાણમાં છે. હજુ પણ આગામી ત્રણ દિવસ એટલે કે મંગળવાર (30 જુલાઈ) સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ પૂરતી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી.

આજે ક્યા જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ

હવામાન વિભાગે આજે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને, બોટાદમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપ્યું છે. જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાય છે.

શું કહી રહ્યાં છે અંબાલાલ પટેલ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ એટલે કે, 29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત 3થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.