UPSC એ પૂજા ખેડકરને આપ્યો મોટો ફટકો, IASની નોકરી કરી રદ; હવે કોઈ પરીક્ષા નહીં આપી શકે
વિવાદોમાં ફસાયેલી ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
UPSC એ પહેલા જ આના સંકેતો આપી દીધા હતા.UPSCએ કહ્યું કે જો પૂજા ખેડકર સામેના આરોપો સાચા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે UPSCએ પૂજા ખેડકરને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ. UPSCએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેના ફોટોગ્રાફ, સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ મેળવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે ખેડકર પરીક્ષામાં છેતરપિંડીથી હાજર થઈ હતી . આ પછી દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
પૂજા ખેડકર પર શું છે આરોપ ?
પૂજા ખેડકરની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. તેમને અધિક મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવસે ખેડકરના વર્તન વિશે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પૂજા ખેડકર પર એવી સવલતોની માંગ કરવાનો આરોપ હતો જેના માટે તે તાલીમાર્થી IAS અધિકારી તરીકે હકદાર ન હતી. આ સિવાય તેમના પર એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો કરવાનો પણ આરોપ છે. ખેડકર પર પોતાના પદનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. અહેવાલ છે કે પૂજા ખેડકરને તેની અંગત ઓડી કારમાં લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ની પ્લેટ લગાવવામાં આવી હતી. પૂજા ખેડકર આ પ્રાઈવેટ કારમાં વાશિમના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી.