મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાન સામેના સૈન્ય હુમલાઓ આગામી બે અઠવાડિયા માટે રોકવાનો નિર્ણય લીધો છે, જે વૈશ્વિક સ્તરે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
માહિતી મુજબ, શહેબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને નેતાઓએ યુદ્ધ ટાળવા માટે અમેરિકાને ખાસ વિનંતી કરી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર જણાવ્યું હતું કે ઈરાન હવે Strait of Hormuzને સુરક્ષિત રીતે ખોલવા તૈયાર થઈ ગયું છે. સાથે જ, ઈરાને અમેરિકાના 10-સૂત્રીય પ્રસ્તાવને સ્વીકાર કર્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાના મોટાભાગના લશ્કરી લક્ષ્યાંકો હાંસલ કરી ચૂક્યું છે અને હવે શાંતિ માટે મજબૂત સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધવિરામ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એટલે કે ઈરાન તરફથી પણ કોઈ ઉશ્કેરણીજનક પગલાં નહીં લેવામાં આવે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે, આ સમગ્ર પ્રક્રિયામાં પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. વૈશ્વિક બજારોમાં ખાસ કરીને તેલ સપ્લાયને લઈને જે ચિંતા હતી, તેમાં પણ આ નિર્ણય બાદ સ્થિરતા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી 14 દિવસ બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સ્થાયી શાંતિ કરાર માટેની અંતિમ ચર્ચાઓ થવાની શક્યતા છે. વિશ્વભરમાં આ યુદ્ધવિરામને આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે નજર એ પર રહેશે કે શું અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપિત થઈ શકે છે કે નહીં.







