વડોદરામાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા સામે મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કારેલીબાગ વિસ્તારના વેપારી દર્શિત શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુરેશ પાનસુરીયા, તેમના ત્રણ ભાઈઓ અને પુત્ર સામે કુલ રૂ.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આરોપીઓએ ફ્લેટ સ્કીમમાં રોકાણ કરાવવાના બહાને ફરિયાદીને લલચાવ્યા હતા. દર મહિને 2 ટકા વ્યાજ આપવાની ખાતરી આપીને રૂ.3 કરોડનું રોકાણ લેવાયું હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં થોડો સમય વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં વ્યાજ તેમજ મૂડી પરત માંગતા આરોપીઓએ ચૂકવણી ન કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે શરૂ કરી તપાસ
ફરિયાદીએ આ મામલે વારંવાર સંપર્ક કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતાં અંતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો માર્ગ અપનાવ્યો હતો. ફરિયાદ નોંધાતા જ સમગ્ર મામલો રાજકીય અને વેપારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સુરેશ પાનસુરિયાનો પુત્ર સ્યુસાઈડ નોટ લખીને થયો હતો ગુમ
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હતો. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો હતો. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી હતી.