લ્યો બોલો, સુરત ઇન્ટરનેશન એરપોર્ટની છત પરથી ટપકવા લાગ્યું પાણી, બેરિકેડથી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કર્યો 

ચોમાસું આવતા અનેક કામગીરીની પોલ ખૂલી જાય છે. ત્યારે હવે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટની પોલ ખૂલી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં દર વર્ષે મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. છતા જુના ટર્મિલનમાં પ્રથમ માળે એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની ફરીયાદ ઉઠી છે.

કરોડોના ખર્ચે બનેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે. કારણ કે, વરસાદે સુરત એરપોર્ટની પોલ ખોલી નાખી છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી દીધી છે. જોકે આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે.

2009માં આ ટર્મિનલનું ઉદઘાટન થયું 

એરપોર્ટ ખાતે દર વર્ષે મેઇન્ટેનન્સની કામગીરી કરાવવામાં આવે છે. તેમ છતાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની બૂમ ઊઠી છે. જૂના ટર્મિનલની છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીંથી પ્રસાર થતા મુસાફરો લપસી પડવાનો ભય રહેલો છે. આ બાબતે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવાઈની વાત એ છે કે, ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યા પછી ટપકતું પાણી બંધ કરવાને બદલે પેસેન્જર એરિયા બંધ કરી દીધો છે. જૂના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની સમસ્યા ઊભી થઈ છે. 2009માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું.