સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાણીમાં ઝેર ભેળવી દઈને એકસાથે 118 રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ફિલ્ટરનું પાણી પીધા બાદ એક સાથે 118 જેટલા રત્નકલાકારોને તેની અસર થઈ અને તાત્કાલિકા હૉસ્પટિલમાં ખસેડવામાં આવ્યા. જેમાંથી 104 રત્નકલાકારોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા પણ હજુ 4 રત્નકલાકારો ICUમાં અને 12 ઓબ્ઝર્વેશન હેઠળછે. પોલીસે રત્નકલાકારોની સામૂહિક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલ મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ એટલે કે અનાજમાં નાંખવાની જંતુનાશક ગોળીઓનું પાઉચ ભેળવી દેવાયું હતું. આ કૃત્યથી એકસાથે 118 રત્નકલાકારોને તેની અસર થઈ હતી. આ પ્રયાસ કોનો હોય શકે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય એ વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવી આશંકા છે, જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોનાં નિવેદન નોંધશે.
અનભ જેમ્સના મેનેજરના ભાણિયા નિકુંજ નામના યુવકે સુપરવિઝન કરતા મામા કાંતિભાઈને પીવાના પાણીના ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરતા પેઢીના મેઈન મેનેજર હરેશભાઈએ પાણીનું આખુ ફિલ્ટર ચેક કરાવ્યું હતું. કુલરની અંદરથી જે વસ્તુ મળી તે જાણીને બધાની આંખો પહોળી થઈ ગઈ. પાણીમાં સેલ્ફોસનું પાઉચ તરી રહ્યું હતું અને ઉપરનું પ્લાસ્ટિક ફાટેલુંહતું. અંદર કાગળમાં પેક ગોળીઓ પાણીમાં ભળી ગયાની શંકા સાથે અફરાતફરી મચી ગઈ હતી. કોઈએ રત્નકલાકારોની સામુહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવાની દવા ભેળવી દીધી આ વાત જ્યારે સામે આવી તો આખા કારખાનામાં ગભરાહટનો માહોલ છવાય ગયો હતો.
તમામ કર્મચારીઓએ આ ફિલ્ટરમાંથી જ સંખ્યાબંધ વખત પાણી પીધું હોવાથી તમામની હાલત દયનીય બની હતી. મામલો નાજુક હોવાથી કારખાનેદારે ઉતાવળે નિર્ણય લઇ તમામ રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા. 104 રત્નકલાકારને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે બીજા 14ને ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કિરણ હોસ્પિટલમાં દાખલ 104 પૈકી બેને ICUમાં ખસેડાયા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
જે જગ્યા પર પાણીનું ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી કેમેરા નથી. આ કૃત્ય કારખાનાના જ કોઈ જાણભેદુ વ્યક્તિએ કર્યું હોય તેવી હાલ તો આશંકા છે. પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા રત્નકલાકારોને મળવા પહોંચ્યા હતા. પ્રફુલ પાનસેરિયાએ ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું હતું અને પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ષડયંત્ર કરનારને છોડવામાં નહીં આવે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. ઘટનાની વિગતે તપાસ માટે FSLની મદદ લેવામાં આવી હતી. FSLના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે.પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ખુદ મુખ્યમંત્રી પણ ઘટનાની માહિતી મેળવી રહ્યા છે.