લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદનને લઈને ભારે નારાજગી જોવા મળી હતી. ભાજપના અન્ય ઉમેદવારોને પણ પ્રચારમાં મુશ્કેલી પડી હતી. ત્યારે ક્ષત્રિય સમાજને લઈ પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજ એ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીમાં ભરોસો મૂકી ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જીત અપાવી.
બોટાદ ખાતે મળેલી પ્રદેશ કારોબારી બેઠકમાં પોતાના પ્રવચનમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે “ગત લોકસભા 2024 ની ચૂંટણીમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજને માઠું લાગ્યું હતું મારા સહિત ઘણા બધા નેતાઓએ માફી પણ માગી હતી. પરંતુ રાષ્ટ્રવાદને વરેલા એવા ક્ષત્રિય સમાજ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીમાં ભરોસો મૂકી ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જીત અપાવી તે બદલ હું ક્ષત્રિય સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું”
રૂપાલાએ આપ્યું હતું આ નિવેદન
પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા એક સભામાં કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન રાજા-મહારાજાઓએ પણ માથું ઝુકાવીને તેમની સાથે રોટી-બેટીના સંબંધ બાંધ્યા હતા, પરંતુ દલિત સમાજમાંથી આવતા રૂખી સમાજે માથુ નમાવ્યું ન હતું. હું તેના માટે તેમને સલામ કરું છું અને તે જ કારણ છે કે સનાતન ધર્મને જીવંત રાખ્યો હતો.
રાજકોટે રૂપાલાનો રંગ રાખ્યો
રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં પુરુષોત્તમ રૂપાલાની રેકોર્ડ બ્રેક 4.84 લાખ મતની લીડ સાથે ભવ્ય જીત મેળવી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલાને સૌથી વધુ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી 1,59,035 મત મળ્યા. જ્યારે સૌથી ઓછા જસદણ વિધાનસભા બેઠક પરથી 94,344 મત મળ્યા . તો બીજી તરફ પરેશ ધાનાણીને સૌથી વધુ વાંકાનેર વિધાનસભા બેઠક પરથી 76,743 મત મળ્યા . જ્યારે સૌથી ઓછા જસદણ વિધાનસભા બેઠક પરથી 36,684 મત મળ્યા હતા.







