અમદાવાદમાં તા. *4 જુલાઈના રોજ જાણીતા કવિ, સ્ટોરીટેલર અને સ્પોકન વર્ડ આર્ટિસ્ટ **અમનદીપ સિંહ (Amandeep Khayal)નો લોકપ્રિય સ્ટોરીટેલિંગ શો “લાઇફ કા તમાશા” સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન વિકાસ જોષી (Cut It Productions) અને કોશા શાહ (Know and Tell with Kosmos) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને શ્રોતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર શો હાઉસફુલ રહ્યો હતો.

આશરે દોઢ કલાકના આ અનોખા સ્ટોરીટેલિંગ શોમાં અમનદીપ સિંહે પોતાના જીવનના અનુભવો અને સંઘર્ષોથી પ્રેરિત એક યુવાનની સફર રજૂ કરી હતી. એક સામાન્ય યુવક પોતાના સપનાને સાકાર કરવા માટે કેવી રીતે જીવનના ઉતાર-ચઢાવ, પડકારો અને સંજોગોનો સામનો કરે છે અને સ્ટોરીટેલર બનવાના પોતાના સપનાને જીવંત રાખે છે, તેની ભાવસભર રજૂઆતથી ઉપસ્થિત દરેક વ્યક્તિ ભાવવિભોર બની ગઈ હતી.

કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ રહ્યું *”ખ્વાબો કા પિટારા”*. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં ઉપસ્થિત દર્શકોને પોતાના સપનાઓ પોસ્ટકાર્ડ પર લખીને ખાસ તૈયાર કરવામાં આવેલા ટ્રંકમાં મૂકવાની તક આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અમનદીપ સિંહે તેમાંમાંથી કેટલાક પોસ્ટકાર્ડ રેન્ડમ પસંદ કરીને સ્ટેજ પરથી વાંચ્યા અને તે સપનાઓને સાકાર કરવા માટે સંબંધિત લોકોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો. આ અનોખી પહેલે કલાકાર અને દર્શકો વચ્ચે એક ભાવનાત્મક જોડાણ સર્જ્યું.

કાર્યક્રમના અંતે દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમને વધાવી લીધો અને જીવન, સપનાઓ તથા આશા વિશે નવી પ્રેરણા સાથે પરત ફર્યા.

આયોજકો વિકાસ જોષી અને કોશા શાહએ કાર્યક્રમને મળેલા પ્રેમ અને સહયોગ બદલ તમામ ઉપસ્થિત દર્શકો તેમજ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે ભવિષ્યમાં પણ અમદાવાદમાં આવા અર્થપૂર્ણ અને ગુણવત્તાસભર સ્ટોરીટેલિંગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની ઇચ્છા વ્યક્ત કરી.