રાજ્યમાં જાણે નકલીની બોલબાલા હોય તેમ નકલી ધી, દૂધ, મસાલા, નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી કચેરી બાદ હવે નકલી હોસ્પિટલ સામે આવી છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. એક વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHOની આગેવાનીમાં બાવળામાં આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.
બાવળાના કેરાલા ગામમાં એક અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. જેને એક નકલી ડોક્ટર ચલાવતો હતો. અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઝડપી પાડ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડી દિવસ પહેલા આ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. જે શખ્સ ડોક્ટર બનીને આ હોસ્પિટલ ચલાવતો હતો તેનું નામ મેહુલ ચાવડા હોવાનું સામે આવ્યું છે.
વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ સ્ટોર પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી.







