પ્રકાશ કારીયા, ચલાલા/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારંભ યુનિવર્સિટી પરિસરમાં આવેલા નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ બેંગલુરુના જાણીતા સાયન્ટિસ્ટ અને પ્રેસિડેન્ટ પ્રોફેસર કે.એચ. નારાયણ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ગૌરવપૂર્ણ પદવીદાન સમારંભમાં મૂળ જૂના ચરખા ગામના અને હાલ ચલાલા ખાતે વસવાટ કરતા રઘુવંશી સમાજના સામાન્ય પરિવારના પ્રકાશભાઈ છોટાલાલ પોપટની સુપુત્રી ચિ. ક્રિના પોપટે પોતાની અસાધારણ શૈક્ષણિક પ્રતિભા અને મહેનતના બળે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.

ચિ. ક્રિના પોપટે માસ્ટર ઓફ કોમર્સ (એમ.કોમ.)માં મુખ્ય વિષય એકાઉન્ટન્સી સાથે સમગ્ર અભ્યાસક્રમમાં એગ્રીગેટ 90.20 ટકા ગુણ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ યુનિવર્સિટી દ્વારા તેમને પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય બે પ્રાઇઝ પણ એનાયત થતાં તેમની સફળતામાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરાયું છે.

એક સામાન્ય પરિવારની દીકરીએ પોતાની લગન, અવિરત પરિશ્રમ, દૃઢ મનોબળ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાથી પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ અનેક દીકરીઓ અને યુવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. ક્રિનાની આ સફળતા માત્ર પોપટ પરિવાર પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર રઘુવંશી સમાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ મહિલા કોલેજ તેમજ સમગ્ર ચલાલા શહેર માટે ગૌરવ અને આનંદની ક્ષણ બની છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ લોકલાડીલા ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયા, દાન મહારાજની જગ્યાના લઘુ મહંત અને અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મહાવીરબાપુ, ગુજરાત વરિષ્ઠ લોહાણા સમાજનાં મહિલા આગેવાન અને જસદણ નગરપાલિકાનાં કારોબારી ચેરમેન શ્રીમતી સોનલબેન વસાણી, લોહાણા મહાપરિષદ ઝોન-4ના પ્રમુખ સંજયભાઈ વણઝારા, અમરેલી લોહાણા સમાજના પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર સાહેબ, વરિષ્ઠ ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રભારી વિશાલભાઈ સોઢા, અમરેલી જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયા, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી પ્રકાશભાઈ કારીયા તેમજ અમરેલી રઘુવીર સેનાના પ્રમુખ પિયુષભાઈ સોનપાલ સહિતના જ્ઞાતિજનો, પરિવારજનો અને શુભેચ્છકોએ હર્ષની લાગણી સાથે ક્રિના પોપટને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.

સાથે જ ક્રિનાના માતા-પિતા અને સમગ્ર પરિવારને પણ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન આપી ક્રિના ભવિષ્યમાં પણ શિક્ષણ, કારકિર્દી અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, નવી ઊંચાઈઓ સર કરે અને પરિવાર, સમાજ તથા શહેરનું નામ વધુ રોશન કરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.

દીકરીની સિદ્ધિ એ માત્ર પરિવારનું ગૌરવ નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રેરણા અને ગૌરવ છે. ક્રિના પોપટની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે દૃઢ સંકલ્પ, મહેનત અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા હોય તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.