રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન ગઇકાલે રાત્રીના સમયે પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં આભ ફાટ્યાની સ્થિતી સર્જાય હતી. 14 ઇંચ વરસાદ વરસતા માર્ગો પર કમરસમા પાણી ફરી વળ્યાં અને અનેક મકાનો અને દુકાનોમાં પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 9.5 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 7 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સૂત્રાપાડામાં 6.6 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 6.5 ઈંચ વરસાદ, 8 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

કેશોદ, માંગરોળનો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયુ છે. કેશોદના સીલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો છે. સીલોદરના રસ્તા પર જળબંબાકારથી સ્થાનિકોને હાલાકી થઇ રહી છે.

અમરેલીમાં મેઘરાજાનો આક્રમક અંદાજ જોવા મળી રહ્યો છે. અત્યંત ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ અમરેલીને ધમરોળ્યું છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ધાતરવડી નદી ઉપરના ચેકડેમ છલકાયા છે. ચેકડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ ખેડૂતો ખુશ ખુશાલ છે. વર્ષ સારૂ જવાની ખેડૂતોને આશા છે.

આજે આ વિસ્તારમાં રેડ એલર્ટ
આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા હવામાન વિભાગની આગાહી છે કે અમરેલી,રાજકોટ ,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ રહેશે.