ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ… અત્યાર સુધીમાં 61 લોકોએ ગુમાવ્યો જીવ, 253 ગામોમાં વીજળી ગુલ…

રાજ્યમાં હવે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ દરમિયાન હવે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ દરમિયાન વરસાદને પગલે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે રાજ્યમાં વરસાદને પગલે 61 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે વરસાદને પગલે રાજ્યના 253 ગામોમાં પુરવઠો ખોરવાયો છે અને 177 સ્ટેટ હાઈવે બંધ થયા છે.

ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે, 10 જુદી જુદી નદીઓ ઓવરફ્લો થઈ છે. 3 તળાવ પણ ઓવરફ્લો થયા છે. અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 4238 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. વરસાદી પૂર કે પાણીમાં ફસાઈ ગયા હોય તેવા 535 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આજે 826 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકોનુ રેસ્ક્યુ કરવામા આવ્યું છે. વર્તમાન ચોમાસામાં વીજળી પડવાથી, પાણીમાં ડુબી જવા સહિતના વિવિધ કારણોસર કુલ 61 લોકોના મોત થયા છે.

253 ગામોમાં વીજળી ગુલ 

ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે, 253 ગામોમાં વીજળી નથી. 24 કલાકથી વધુ સમય વીજળી બંધ ના રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી પ્રભાવિત થવાને કારણે 177 સ્ટેટ હાઇવે બંધ છે. તો 42 અન્ય માર્ગો પણ વરસાદને કારણે બંધ કરી દેવાયા છે. 607 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.24 જુલાઇ, 2024ના રોજ સવારે 6 કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.