Amreli: ટ્રેનની અડફેટે વધુ એક સિંહનું મોત, વનવિભાગ દોડતું થયું
સિંહને ગીરનું ઘરેણું કહેવામાં આવે છે. ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લામાં ગીરના ઘરેણાંના મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. અમરેલી જિલ્લામાં સિંહના મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં લીલીયા નજીક વધુ એક સિંહનુ ટ્રેન હડફેટે મોત થયું છે.
લીલીયા દામનગર વચ્ચે ભેસાણ નજીક ગઈકાલે મોડી રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે સિંહ કપાયો હોવાની ઘટના સામે આવી છે. મહુવા સુરત પેસેન્જર ટ્રેન હડફેટે આવતા સિંહનું ઘટના સ્થળે મોત થયું છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. લોહિલુહાણ હાલતમાં સિંહે ક્રાકચ એનિમલ કેર સેન્ટરમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ હોવાને કારણે સિંહનું મોત થયું હતું.
મોડી રાતે રેલવે ટ્રેક વિસ્તારમાં વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. સિંહ કેવી રીતે ટ્રેક સુધી આવ્યો તેમજ ટ્રેનની સ્પીડ અંગે પણ તપાસ કરવામાં આવશે.







