અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ગાંધીનગરમાં બંધ બારણે મિટિંગ યોજાઇ, ગુજરાતની રાજનીતિ ગરમાઈ

ગુજરાતની રાજનીતિમા રાજકીય ડૉક્ટર ગણાતા એવા શંકરસિંહ વાઘેલા અને ગુજરાત ભાજપના ગણાતા ચાણક્ય અમિત શાહ વચ્ચે રક્ષાબંધનના દિવસે મુલાકાત થઈ અને ગુજરાતની રાજનીતિમાં કંઈક ઉથલપાથળ થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું….

છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ગઈકાલે રક્ષાબંધનના દિવસે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મીટીંગ યોજાઇ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ થઇ રહ્યું છે. આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

મુલાકાતને લઇને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ માત્ર એક શિષ્ટાચાર મુકાલાત હતી, અમે સાથે મળીને ચા-પાણી કર્યા અને ઘણી વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા ગયો હતો. જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે, પરંતુ આ અંગે કોઇ ચોક્કસ માહિતી મળી નથી. મળતી માહિતી અનુસાર આ બેઠક ગુજરાત કરતા મહારાષ્ટ્ર માટે મહત્તવ પૂર્ણ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેની આ મુલાકાત ગાંધીગરના સર્કિટ હાઉસ ખાતે થઇ હતી. કહેવાઇ રહ્યું છે કે આ મુલાકાત બાદ રાજનીતિમાં કંઇક નવા જુની થઇ શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલા બાપુએ તમામ અટકળો અને તર્ક વિતર્ક પર કહ્યું કે, આ શિષ્ટાચારની મુલાકાત હતી.