આજે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે બીજી તરફ અનેક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ત્યારે પાવી જેતપુરથી બોડેલી વચ્ચેનો નેશનલ હાઇવે 56 પરનો બ્રિજ તૂટવાના સમાચાર સામે આવી રહ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. શહેરમાં આવેલા અનેક ચેકડેમ પણ ઑવરફ્લો થયા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે પાવી જેતપુરથી બોડેલી વચ્ચેનો નેશનલ હાઇવે 56 પરનો બ્રિજ તૂટયો, વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. પુલ તૂટવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અનેક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.
જાણો શું છે વરસાદની આગાહી
હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 27 ઑગસ્ટ સુધી અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 28 ઓગસ્ટે ખેડા અને આણંદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. તો 29 ઑગસ્ટે મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.







