રાજ્યમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે જૂનાગઢ-પોરબંદર હાઇવે પર મોડી રાત્રે લૂંટની મોટી ઘટના સામે આવી છે. બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદના બે સેલ્સમેન પાસેથી ત્રણ લૂંટારુઓ સોનુ-ચાંદી અને રોકડ લૂટી ફરાર થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેનને છરી બતાવી અને ઢીકાપાટુનો માર મારીને કુતિયાણા તરફથી આવતા 3 લૂટારૂઓ અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને અઢી લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના બે સેલ્સમેન પોતાની ફોર વ્હીલ લઈ સોમનાથ તરફ જતા હતા. આ દરમિયાન બાટવા-કુતિયાણા રોડ પર તેમની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી. અને અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. આ મામલાની જાણ થતાંની સાથે જ જૂનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતા લોકલ ક્રાઇમ,બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે નાકાબંધી કરી
મોડી રાત્રે ઘટેલી લૂંટની ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે આ લૂંટારોઓને પકડવા નાકાબંધી કરી હતી. ત્યારે પોલીસને તપાસ કરતા બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા. હાલ પોલીસે આ લૂંટારુંઓ કઈ દિશામાં ફરાર થયા છે. એ દિશામાં તપાસ હાથ ધરી છે.







