રાજ્યમાં છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. બ્રોકિંગ કંપની ઝિરોધાએ સુરતના કિશન સોની નામની વ્યક્તિ સામે ફરિયાદ કરી છે કે સૌથી પહેલાં તેણે સ્ટોક બ્રોકર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી તેમના પ્લેટફોર્મ પર ફેક ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. અને છેતરપિંડી આચરી હતી
કિશન સૌથી પહેલાં 2018માં કંપનીનો ક્લાયન્ટ બન્યો. 2020માં તે પર્સનલ ક્લાયન્ટ એસોસિયેટ તરીકે જોડાયો હતો જેમાં તે લોકોને ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરતો હતો. તેના માટે તેને કમિશન મળતું હતું. આટલા સમયમાં તેણે કૂલ 432 ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા જેના માટે કંપનીએ તેને 55 લાખ રૂપિયા કમિશન પેટે ચૂકવ્યા હતા. ત્યાર પછી કંપનીને જાણવા મળ્યું કે કિશને જે એકાઉન્ટ ખોલાવ્યા હતા તેમાં બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કાયો હતો. કિશને બિહારના 14 લોકોને કામે રાખ્યા હતા જેઓ આ એકાઉન્ટને મેનેજ કરતા હતા અને ટ્રેડિંગ એક્ટિવિટી ચલાવતા હતા. એક ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે 2.20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે અને તેમાં 55 લાખનું કમિશન ઉમેરતા કુલ કૌભાંડનો આંકડો પોણા ત્રણ કરોડ રૂપિયા સુધી પહોંચે છે.
15 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
432 એકાઉન્ટમાંથી 332 એકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ દેખાડે છે. એકાઉન્ટ હોલ્ડરોને ફોન કરવામાં આવ્યો તે ઘણાએ કહ્યું કે તેઓ કોઈ એકાઉન્ટ જ ધરાવતા નથી. આ પ્રકારનું કૌભાંડ કરવાની પદ્ધતિને આઈસબર્ગ ટ્રેડર્સ કહેવામાં આવે છે જેમાં નાના નાના ટ્રેડર્સ કામ કરે છે અને તગડી બ્રોકરેજ ફી મેળવે છે. ત્યારે આ મામલે પોલીસે કિશન સોની અને તેના સાથીદારો સહિત કૂલ 15 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.







