મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 10 થી વધુ મજૂરો દટાયા હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 6 મજૂરનાં મોત નીપજ્યાં છે, જેમાં એક મહિલા છે તેમજ 3 મજૂર હજુ દટાયેલા છે.

ભેખડ ઘસી પડવાની ઘટનામાં દટાયેલા મજૂરોને બહાર કાઢવા માટે હાલ JCBની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે ઘટનાસ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી છે. આ દુર્ઘટનાની જાણ થતાં DDO ડો. હસરત જાસ્મીન, SP ડૉ તરૂણ દુગ્ગલ, Dy.SP મિલાપ પટેલ સહિતનો પોલીસ કાફલો તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ​​​​​​પહોંચી છે.

દિવાલ બનાવવાની કામગીરી શરૂ હતી
સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ. કંપનીમાં દીવાલ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મજૂરો કંપનીની દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક જ માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાઈ જવાના સમાચાર આવ્યા છે, જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં છે અને 3 મજૂરો હજુ દટાયેલા છે.