અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ નજીક આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભારે વાહન પાછળ બાઇક સવાર ચાર લોકો ઘુસી જતા ઘટનાસ્થળે જ ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
બે યુવાન અને 6 વર્ષના બાળકનો સમાવેશ
મૃતકોમાં બે યુવાન અને માત્ર 6 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ઢાંગલા ગામના ખેતમજૂરો હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળી રહ્યું છે.
સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક પહોંચ્યા
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભયાનક અકસ્માતને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગંભીર ઘાયલને હોસ્પિટલ ખસેડાયા
અકસાનમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તેની હાલત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ભારે વાહન ચાલક ફરાર, પોલીસ તપાસમાં
અકસાન બાદ ભારે વાહનનો ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. લીલીયા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુખ અને શોકની લાગણી ફેલાવી છે.







