સુરેન્દ્રનગર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ દ્વારા થાન તાલુકામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન કુલ ₹1.97 કરોડના મુદામાલ સાથે અનેક વાહનો કબજે કરવામાં આવ્યા છે.
તરણેતર ગામની સીમમાં દરોડો
થાન તાલુકાના તરણેતર ગામની સીમ વિસ્તારમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન તથા સફેદ માટીનું ખનન થતું હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ખનન ચાલુ હાલતમાં જ વાહનો ઝડપી પાડ્યા હતા.
કયા વાહનો કબજે કરાયા?
કાર્યવાહી દરમિયાન
-
03 ડમ્પર
-
01 હિટાચી મશીન
-
01 ટ્રેક્ટર
સહિત કુલ અંદાજે ₹1.97 કરોડનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
4 શખ્સો સામે કાયદેસર પગલાં
વાહન માલિક તેમજ ખનન સાથે સંકળાયેલા કુલ 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ તડીપારની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
ગેરકાયદેસર ખનન સામે સખત વલણ
જિલ્લા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર ખનન સહન નહીં કરવામાં આવે. આવી પ્રવૃત્તિઓ સામે સતત ચકાસણી અને સખત કાર્યવાહી ચાલુ રહેશે.







