અમરેલી: અમરેલી જિલ્લાના બાબરા પોલીસને મોડી રાત્રે મોટી સફળતા મળી છે. કોટડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી ગોંડલ તરફ જઈ રહેલા એક આઇસર ટ્રકમાંથી ચોરખાનામાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસે ટ્રકની તપાસ દરમિયાન કુલ 2,275 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ₹12,75,200ના મુદ્દામાલ સાથે ટ્રક કબજે કરી ચાલક સામે ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં ચાલક મનોહર બીશનોઈએ પોલીસને જણાવ્યું કે દારૂ રાજસ્થાનમાંથી લાવી ડીસા સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને ગોંડલ પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટ્રક મહેસાણા, બગોદરા અને ગઢડા માર્ગે ગોંડલ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાબરા પોલીસએ કોટડા ચેકપોસ્ટ પર તેને ઝડપી લીધો.
પ્રાથમિક તપાસમાં રાજસ્થાન બોર્ડરથી બાબરા સુધી ટ્રક કેવી રીતે પહોંચ્યો અને વચ્ચે ક્યાંય ચેકિંગ કેમ ન થયું તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ રાજસ્થાન બોર્ડરથી પાલનપુર સુધી દારૂ કોણે પહોંચાડ્યો અને સમગ્ર સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.







