નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના કન્વીનર અભિજીત દિપકેને રાજકારણમાં સક્રિય પ્રવેશ માટે આમંત્રણ મળ્યું છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ દિપકેને પોતાની પાર્ટીમાં જોડાવા અપીલ કરી છે. આઠવલેનું કહેવું છે કે દિપકે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને આગળ વધારવા અને સમાજને વધુ મજબૂત બનાવવા માટે RPI(A) સાથે જોડાઈ શકે છે.
જોકે, દિપકે તરફથી આ આમંત્રણ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. તેઓ અગાઉ પણ અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હાલ તેમની પ્રાથમિકતા રાજકીય પક્ષના માળખામાં જોડાવાની નહીં, પરંતુ લોકો સાથે જોડાયેલા સામાજિક મુદ્દાઓ પર કામ કરવાની છે.
રાજકારણમાં પ્રવેશ અંગે દિપકેનો શું અભિગમ?
મીડિયા સાથેની વાતચીતમાં અભિજીત દિપકેએ તાત્કાલિક રાજકારણમાં પ્રવેશ કરવાની શક્યતા નકારી છે. જોકે, તેમણે એક સંભાવના ખુલ્લી રાખી છે. જો મોટા પ્રમાણમાં લોકો રાજકારણમાં આવવાની માંગ કરશે તો ભવિષ્યમાં તે અંગે વિચાર કરી શકાય તેમ તેમણે જણાવ્યું છે.
દિપકેના મતે માત્ર એક નવો રાજકીય પક્ષ ઊભો કરવાથી દેશની સમસ્યાઓનું નિરાકરણ આવશે એવું જરૂરી નથી. તેથી હાલ તેમનો ભાર સંગઠન ઊભું કરવા કરતાં લોકોની વચ્ચે રહીને મૂળભૂત સમસ્યાઓ પર કામ કરવાનો છે.
CJP હાલમાં રાજકીય પક્ષ બનશે ?
જૂન-જુલાઈ દરમિયાન જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થી આંદોલનમાં CJPની સક્રિય ભૂમિકા રહી હતી. ત્યારબાદ સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, CJPએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેને સંપૂર્ણ રાજકીય પક્ષમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
CJPના પ્રવક્તા સૌરભ દાસના જણાવ્યા મુજબ લોકો સંગઠનને રાજકીય પક્ષ તરીકે જોવા ઈચ્છે છે, પરંતુ હાલ સંગઠનનું ધ્યાન પાયાના સ્તરે કામ કરવા પર રહેશે. તેમનું માનવું છે કે લાંબા ગાળાની સામાજિક જાગૃતિ માટે લોકો વચ્ચે સીધું કામ કરવું વધુ જરૂરી છે.
સરકારી શાળાઓ માટે ‘ફિક્સ ધ સ્કૂલ્સ’ અભિયાન
રાજકારણમાં જોડાવાની ચર્ચા વચ્ચે અભિજીત દિપકેએ શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ શરૂ કરી છે. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા પોતાના વતન ગામથી તેમણે ‘ફિક્સ ધ સ્કૂલ્સ’ અભિયાનની શરૂઆત કરી છે.
આ અભિયાન અંતર્ગત સરકારી શાળાઓમાં ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. પાણી, બેસવાની વ્યવસ્થા, શાળાની ઈમારત સહિતની સુવિધાઓ અંગે માહિતી એકત્રિત કરીને તેનો ડેટા તૈયાર કરવાની યોજના છે.
દિપકેએ સરકારી શાળાઓની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો બાળકોને શિક્ષણ માટે જરૂરી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોય તો દેશના વિકાસ સામે મોટો સવાલ ઊભો થાય છે. તેમણે ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ લાવવાની પણ માંગ કરી છે.
મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ અભિયાન
‘ફિક્સ ધ સ્કૂલ્સ’ના આગામી તબક્કામાં મહારાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત લેવાની યોજના છે. અહીં વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને શાળાની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે.
CJP તરફથી રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની સરકારી શાળાઓમાં પણ અભિયાનને લઈ જવાની વાત કરવામાં આવી છે. દિપકેના જણાવ્યા મુજબ આ પહેલનો હેતુ માત્ર સમસ્યાઓ દર્શાવવાનો નહીં, પરંતુ સરકારી શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ અંગે વ્યવસ્થિત માહિતી એકત્રિત કરીને તેને જાહેર ચર્ચાના કેન્દ્રમાં લાવવાનો છે.
હાલમાં અભિજીત દિપકે રાજકીય ઓફર અંગે કોઈ અંતિમ નિર્ણયથી દૂર છે. બીજી તરફ CJPનું સંગઠન સામાજિક મુદ્દાઓ પર પોતાનું કામ આગળ વધારી રહ્યું છે. તેથી આગામી સમયમાં દિપકે રાજકારણમાં પ્રવેશ કરે છે કે સામાજિક અભિયાનને જ પ્રાથમિકતા આપે છે, તેના પર સૌની નજર રહેશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







