જામનગર શહેર નજીક આવેલા ધુવાવ ગામ પાસે આજે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બુલેટ બાઈક અને એક ખાનગી બસ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બુલેટ પર સવાર બે વ્યક્તિઓના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ધુવાવ ગામ નજીકથી બુલેટ બાઈક પસાર થઈ રહી હતી ત્યારે ખાનગી બસ સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બુલેટ પર સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે જ બંનેના મોત થયાનું જાણવા મળ્યું છે.
અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર
અકસ્મતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર અકસ્માતને કારણે માર્ગ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જેના કારણે રસ્તા પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ માર્ગ પર ઉભા રહેલા વાહનો અને લોકોના ટોળાને દૂર કરી ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
મૃતદેહોને જીજી હોસ્પિટલ ખસેડાયા
અકસ્મત બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિત અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્મત કેવી રીતે સર્જાયો અને બુલેટ તથા ખાનગી બસ વચ્ચે ટક્કર કયા સંજોગોમાં થઈ તેની વિગતો પોલીસ તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે. અકસ્માતને લઈને પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જામનગર નજીક બનેલી આ દુર્ઘટનાએ ફરી એક વખત માર્ગ સલામતી અને વાહનચાલકોની સાવચેતી અંગે સવાલો ઉભા કર્યા છે. માર્ગ પર વાહન ચલાવતી વખતે ઝડપ, ટ્રાફિક નિયમો અને સાવચેતીનું પાલન કરવું અત્યંત જરૂરી છે.







