દેશની સરહદો પર તૈનાત જવાનો તહેવાર હોય કે ખાસ પ્રસંગ, પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવતા હોય છે. રક્ષાબંધન જેવા લાગણીસભર તહેવારના દિવસે પણ અનેક જવાનો પોતાની ફરજને પ્રાથમિકતા આપે છે. ત્યારે રાજકોટના એક યુવાને દેશના જવાનો સુધી સામાન્ય નાગરિકોનો પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરેલું અનોખું અભિયાન હવે વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

છેલ્લા ત્રણ વર્ષથી ‘બંધન ફોર ભારત’ નામના અભિયાન દ્વારા જવાનો માટે રાખડીઓ તૈયાર કરી તેમની સુધી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને ગુજરાત ઉપરાંત દેશના વિવિધ શહેરોના લોકો તથા શાળાના બાળકો પણ તેમાં જોડાયા છે.

100થી વધુ શાળાઓનો સહયોગ

આ વર્ષે જૂન મહિનાથી જ રાખડીઓ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત દિલ્હી, ભોપાલ, ઉદયપુર અને ઉધમપુરના લોકો અને બાળકોએ પણ અભિયાનમાં ભાગ લીધો છે. મળતી માહિતી પ્રમાણે આ વર્ષે 70 હજારથી વધુ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.

અભિયાનને 100થી વધુ શાળાઓનો સહયોગ મળ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ માત્ર તૈયાર રાખડીઓ મોકલતા નથી, પરંતુ પોતાની સર્જનાત્મકતા સાથે રાખડીઓ બનાવે છે અને જવાનો માટે લાગણીસભર પત્રો પણ લખે છે.

આ રાખડીઓ ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ રાખડીઓનું જરૂરી ચેકિંગ અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મંજૂરી પ્રાપ્ત કેમ્પો અને યોગ્ય માધ્યમ મારફતે દેશના જવાનો સુધી પહોંચાડવામાં આવશે.

દરેક રાખડી સાથે હશે લાગણીસભર પત્ર

‘બંધન ફોર ભારત’ અભિયાનની સૌથી ખાસ બાબત એ છે કે દરેક રાખડી સાથે એક પત્ર પણ મોકલવામાં આવે છે. બાળકો પોતાની સરળ અને નિખાલસ ભાષામાં દેશના જવાનોને પત્ર લખીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે.

આ પત્રોમાં દેશની સુરક્ષા માટે જવાનો દ્વારા કરવામાં આવતા ત્યાગ અને ફરજ માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે. જવાનો માટે આવા પત્રો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ દેશના નાગરિકો તરફથી મળતી લાગણી, હૂંફ અને સન્માનનું પ્રતીક બની રહે છે.

અભિયાનના સંચાલક નંદન માણેકના જણાવ્યા અનુસાર, લોકો અને જવાનો વચ્ચે પ્રેમ, સન્માન અને ગૌરવનું લાગણીસભર બંધન વધુ મજબૂત બને તે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

બહેન ન હોય તેવા જવાનોને પણ મળશે રાખડી

દેશની સરહદો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવતા અનેક જવાનોને રક્ષાબંધનના દિવસે પરિવારથી દૂર રહેવું પડે છે. કેટલાક જવાનો એવા પણ હોય છે જેમની કોઈ બહેન નથી. આવા જવાનો સુધી પણ રાખડી અને પત્ર પહોંચાડવાનો પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવે છે.

સંવેદનશીલ સ્થળોએ રાખડીઓ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે પ્રમાણમાં ઓછી સંવેદનશીલ જગ્યાઓ પર કેટલીક શાળાની બહેનોને જવાનોને રાખડી બાંધવા માટે લઈ જવામાં આવે છે.

આ પ્રવૃત્તિમાં માત્ર બાળકો કે મહિલાઓ જ નહીં, પરંતુ શાળા અને પરિવાર પણ સહભાગી બને છે. બાળકો રાખડી બનાવવાની સાથે પત્ર લખતા શીખે છે અને દેશની સુરક્ષા કરનારા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મેળવે છે.

2023થી અત્યાર સુધી 56 હજાર જવાનો સુધી પહોંચ્યું સ્નેહનું બંધન

‘બંધન ફોર ભારત’ અભિયાનનો વ્યાપ વર્ષો દરમિયાન સતત વધ્યો છે. વર્ષ 2023થી અત્યાર સુધીમાં અંદાજે 56 હજાર જવાનોને રાખડી અને પત્રો મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધી ગુજરાતની 70થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની નિખાલસ ભાષામાં જવાનોને પત્રો લખ્યા છે. આ પત્રો દ્વારા બાળકો દેશની સુરક્ષા માટે જવાનોને દિલથી સલામ કરે છે અને તેમના ત્યાગ બદલ આભાર વ્યક્ત કરે છે.

આ વર્ષે અભિયાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે નવી પહેલ પણ કરવામાં આવી છે. લોકો લખેલા પત્રો ઉપરાંત વિડિયો બનાવીને પણ જવાનો સુધી પોતાનો પ્રેમ અને શુભેચ્છા પહોંચાડી શકશે.

‘બંધન ફોર ભારત’ હવે માત્ર રાખડી મોકલવાનું અભિયાન નથી રહ્યું, પરંતુ દેશના નાગરિકો અને સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો વચ્ચે લાગણીનું એક સુંદર સેતુ બની રહ્યું છે. રાજકોટથી શરૂ થયેલી આ પહેલનો વ્યાપ દિલ્હી, ભોપાલ, ઉદયપુર અને ઉધમપુર સુધી પહોંચ્યો છે, જે લોકોના જવાનો પ્રત્યેના પ્રેમ અને સન્માનની ભાવનાને દર્શાવે છે.