નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પૂર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 157 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા લોકોમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. હજારો લોકો બેઘર બન્યા છે અને અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. કોસી, ગંડક અને ગંગા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગૃહ મંત્રાલયની સ્થિતિ પર સતત નજર
નેપાળમાં પૂર બાદ ભારત સરકારે પણ સતર્કતા વધારી છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
ગૃહ મંત્રાલય સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સરહદી વિસ્તારોમાં નદીઓના જળસ્તરની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે.
બિહારના 9 જિલ્લામાં હાઈ એલર્ટ
બિહારના પશ્ચિમી ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, મુઝફ્ફરપુર, સિવાન, સારણ, શિવહર, સીતામઢી અને વૈશાલી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સંભવિત પૂર અને અચાનક વધતા જળપ્રવાહને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.
બિહાર અને યુપી સરકારો એક્શન મોડમાં
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સરકાર દ્વારા અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મહારાજગંજ અને કુશીનગર સહિતના વિસ્તારોમાં ગંડક અને નારાયણી નદીના જળસ્તર પર ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
સરહદી વિસ્તારોમાં વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નેપાળની આપત્તિથી ભારત પર પણ અસરનો ભય
નેપાળમાં ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આપત્તિનો સીધો પ્રભાવ ભારતના સરહદી વિસ્તારોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને ગંડક નદી તંત્રને લઈને બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચિંતા વધી છે.
નેપાળની ભોટેકોશી નદી આગળ જઈને ત્રિશૂલી નદી તંત્ર સાથે જોડાય છે. ત્યારબાદ દેવઘાટ પાસે ત્રિશૂલી અને કાલી ગંડકી નદીઓનું સંગમ થતાં નારાયણી નદી બને છે. ભારતમાં પ્રવેશ્યા બાદ આ નદી ગંડક તરીકે ઓળખાય છે. તેથી નેપાળના ઉપરવાસમાં અચાનક વધેલો પાણીનો પ્રવાહ ભારતના ગંડક નદી તંત્રના જળસ્તરને અસર કરી શકે છે.
આગામી 24 કલાક મહત્વપૂર્ણ
હાલમાં વહીવટી તંત્રની સૌથી મોટી ચિંતા નેપાળમાંથી આવતા પાણીના પ્રવાહ અને નદીઓના વધતા જળસ્તરને લઈને છે. આગામી 24 કલાક દરમિયાન પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.
પ્રશાસને સંભવિત પૂર સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને લોકોને પણ નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તથા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.







