અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ચૌત્રા માર્ગ પર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ, નાગેશ્રી ચૌત્રા માર્ગ પરથી ટ્રેક્ટર અને બાઈક પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બંને વાહનો પુરપાટ ઝડપે આવી રહ્યા હોવાના કારણે બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત
આ ગમખ્વાર અકસ્માતમાં મહાવીરભાઈ જસુભાઈ વરૂ અને શ્યામભાઈ રામજીભાઈ જોગદીયા નામના બંને યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બંને યુવાનોના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા નાગેશ્રી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતની સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
અકસ્માત કેવી રીતે સર્જાયો? પોલીસ તપાસ શરૂ
પ્રાથમિક વિગતો પ્રમાણે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, બંને વાહનોની ઝડપ કેટલી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી વિગતો એકત્રિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
બે યુવાનોના અકસ્માતમાં મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. યુવાનોના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પણ આ ઘટનાને લઈને શોકની લાગણી ફેલાઈ છે.







