જામનગર શહેરમાં વધુ એક હત્યાના બનાવથી અરેરાટી ફેલાઈ છે. શહેરના શેતાવાડ વિસ્તારમાં જીવાશેતા ના ડેલા પાસે બાળકોના રમવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન 64 વર્ષીય વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, બાળકોના રમવા બાબતે થયેલા બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન વૃદ્ધ ઇબ્રાહિમ સિદ્દીકભાઇ ચાકી પર મરચાંની ભૂકી નાખવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની માતાએ, આક્ષેપ મુજબ, “આનું પૂરું કરી નાખ” તેમ કહેતા આરોપીએ વૃદ્ધ પર ધોકા વડે હુમલો કર્યો હતો.
ધોકાના મારથી ગંભીર રીતે ઘવાયેલા 64 વર્ષીય ઇબ્રાહિમ સિદ્દીકભાઇ ચાકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જામનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
હત્યા બાદ આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની ધરપકડ તેમજ ગુનાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે શેતાવાડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જામનગર હત્યાકાંડમાં પોલીસ તપાસ તેજ
બાળકોના રમવા બાબતે શરૂ થયેલો વિવાદ 64 વર્ષીય વૃદ્ધના મોત સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હત્યા પાછળના તમામ પાસાઓ અને સંડોવાયેલા આરોપીઓ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.







